ગાડીમાંથી દીકરી પડી ગઈ એની ખબર પરિવારને 40 કિલોમીટર પછી પડી

11 September, 2019 11:13 AM IST  |  કેરળ

ગાડીમાંથી દીકરી પડી ગઈ એની ખબર પરિવારને 40 કિલોમીટર પછી પડી

ગાડીમાંથી દીકરી પડી ગઈ

કેરળના ઇડુકી જિલ્લાના એક ફૉરેસ્ટ જેવા વિસ્તારમાં ચાલતી જીપમાંથી એક બાળકી પડી ગઈ અને કારમાં બેઠેલા પરિવારને ખબર પણ ન પડી. પરિવાર તામિલનાડુના પલાની મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યો હતો. રાતના સાડા નવ વાગ્યાનો સમય હતો અને કાર મુન્નારના જંગલમાંથી પ‌સાર થઈ રહી હતી. બાળકી પાછળની સીટમાં માના ખોળામાં સૂતી હતી. કારમાં બધાની જ આંખ લાગી ગઈ હતી અને એવામાં બાળકી જાગી ગઈ. ખુલ્લી બારીમાંથી ડોકિયું કરવા જતાં એ બહાર પડી ગઈ. જીપમાં કદાચ વધુ લોકો ભરેલા હતા અને જીપે અચાનક બ્રેક મારતાં છોકરી ઊછળીને બહાર પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે ઘટનાસ્થળથી ૪૦ કિલોમીટર દૂર મુલારીકુડી ગામ પાસે પહોંચ્યા પછી પરિવારને ખબર પડી કે તેમની દીકરી રોહિતા ગાયબ છે. તેમણે તરત જ નજીકના પોલીસ-સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી. અને પોલીસે પણ તેઓ જે રસ્તે આવ્યા એના તમામ સ્ટેશનો પર આ સંદેશો પહોંચાડી દીધો. બીજી તરફ જંગલમાં રોડની કિનારી પર પડેલી છોકરી ભાંખોડિયા ભરી રહી હતી. તે જ્યાં પડી હતી એની નજીક જ વનવિભાગની ચેકપોસ્ટ હતી. વનવિભાગના લોકોએ સીસીટીવી કૅમેરામાં જોયું કે રોડ પર ચોમેર અંધારું હોવાથી છોકરી ચેકપોસ્ટના અજવાળા તરફ ભાંખોડિયા ભરી રહી હતી. વનઅધિકારીઓનું કહેવું છે કે આ રોડ પર જંગલી પ્રાણીઓ અને જંગલી હાથીઓ પસાર થતા હોય છે એટલે સીસીટીવી દ્વારા વનવિભાગના અધિકારીઓ મૉનિટરિંગ કરતા હોય છે. એ દરમ્યાન અધિકારીઓને આ છોકરી જોવા મળી અને તેઓ તેને ઊંચકીને ચેક પોસ્ટમાં લઈ આવ્યા.

આ પણ વાંચો : બૅન્કની ભૂલથી યુગલના ખાતામાં 86 લાખ રૂપિયા આવ્યા, બાદ થયુ કંઈક આવું

જો બાળકી જ્યાં અજવાળું હતું એ તરફ આવી એટલે બચી ગઈ, બાકી એની વિરુદ્ધ દિશામાં ખાઈ હતી અને ત્યાં એ પડી જાત તો ન થવાનું થઈ જાત. વન અધિકારીઓએ પણ નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરીને બાળકી મળ્યાની જાણ થતાં પરિવાર સાથે તેનો મેળાપ રાતે દોઢ વાગે થઈ ગયો. બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરી છે કેમ કે તેને માથા અને હાથ પર વાગ્યું છે.

kerala offbeat news hatke news