કેરળના કિશોરે પસ્તી-ગૂંદરથી બનાવેલું ટ્રેન-મૉડલ જોઈને તમે ખુશ થઈ જશો

27 June, 2020 08:04 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

કેરળના કિશોરે પસ્તી-ગૂંદરથી બનાવેલું ટ્રેન-મૉડલ જોઈને તમે ખુશ થઈ જશો

આ છોકરાએ બનાવી પસ્તી અને ગૂંદરથી ટ્રેન

નવરાશના સમયનો સદુપયોગ કરવો હોય પણ સાધનો ન મળે તો શું કરવું? એવો સવાલ લૉકડાઉનમાં ઘણા બધા લોકો પૂછે છે, પરંતુ જેની ભીતર કલાકાર હોય તે ક્રીએટિવ દિમાગનો ઉપયોગ કરીને ઘણુંબધું કરી શકે એ કેરળના ત્રિચુરમાં રહેતા ૧૨ વર્ષના છોકરાએ સાબિત કર્યું છે. લૉકડાઉનમાં ન્યુઝપેપર્સ અને મૅગેઝિન્સની રદ્દી લેનારા પણ આવતા ન હોય અને રદ્દીનો ખડકલો થયો હોય એનો સદુપયોગ કરવાના વિચારો ભાગ્યે જ કોઈકને આવ્યા હશે. અદ્વૈત ક્રિષ્ના નામના એક છોકરાએ ઘરમાં પડેલાં જૂનાં ન્યુઝપેપર્સમાંથી A4 સાઇઝના ૩૩ ટુકડા કર્યા અને એ બધાને યોગ્ય રીતે ગૂંદરથી જોડીને એમાંથી ટ્રેનનું મૉડલ બનાવ્યું હતું. હસ્તકળા-ચિત્રકળાના એ અદ્ભૂત નમૂનાને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ઘણી પ્રશંસા પ્રાપ્ત થઈ છે. રદ્દી કાગળ અને ગૂંદર વડે ટ્રેનની પ્રતિકૃતિ બનાવવામાં અદ્વૈત ક્રિષ્નાને ત્રણ દિવસ લાગ્યા હતા. ટ્વિટર પર ૩૨.૨ હજાર વ્યુઝ, ઢગલાબંધ લાઇક્સ અને કમેન્ટ્સ મેળવનાર વિડિયો-ક્લિપમાં અદ્વૈત ટ્રેનના જુદા-જુદા ભાગ બનાવીને એ બધાને અસેમ્બલ કરતો જોવા મળે છે. અદ્વૈત ત્રિચુર પાસે ચેરપુની સ્કૂલનો વિદ્યાર્થી છે. 

kerala offbeat news hatke news national news