આ ભાઈએ એક પેપર પર બનાવ્યો 1156 મિનિએચર પેઇન્ટિંગ્સ દોરવાનો રેકૉર્ડ

07 July, 2020 08:10 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

આ ભાઈએ એક પેપર પર બનાવ્યો 1156 મિનિએચર પેઇન્ટિંગ્સ દોરવાનો રેકૉર્ડ

ગણેશ શેનોય

કર્ણાટકના મૅન્ગલોરમાં રહેતા ગણેશ શેનોય નામના આર્ટિસ્ટે એક નૉર્મલ સાઇઝના પેપર પર અગિયારસોથી વધુ ચિત્રો દોર્યાં છે. વાત એમ છે કે ગણેશ મિનિએચર પેઇન્ટિંગનો માસ્ટર છે.

સામાન્ય ૧૭ સેન્ટિમીટર બાય ૧૭ સેન્ટિમીટર જેટલાં નાનાં પેપર કાર્ડ પર ૦.૫ સેન્ટિમીટર બાય ૦.૫ સેન્ટિમીટરનાં કુલ ૧૧૫૬ જેટલાં મિનિએચર પેઇન્ટિંગ બનાવીને ગણેશે બ્રિટનના વર્લ્ડ રેકૉર્ડ સર્ટિફિકેશનનો વિક્રમ બનાવ્યો છે.

ગયા વર્ષે એ-ફોર સાઇઝના પેપર પર ૧૦૨૯ મિનિએચર પેઇન્ટિંગ બનાવીને ગણેશે ભારત અને એશિયામાં રેકૉર્ડ બનાવ્યો હતો, જ્યારે 2018માં તેમણે બનાવેલું લૉર્ડ જિજસનું પેઇન્ટિંગ વેટિકન શહેરના અખબારમાં પ્રકાશિત થયું હતું.

પીઢ કલાકાર અને લલિત કલા ઍકૅડેમી અવૉર્ડ વિજેતા સ્વ. પુંડલિક શેનોય તથા જાણીતી કલાકાર સ્વ. પદ્મિની શેનોયના પુત્ર ગણેશ નાનપણથી જ પેઇન્ટિંગમાં રુચિ ધરાવે છે અને અનેક ઇનામ મેળવી ચૂક્યા છે. ગિનેસ વર્લ્ડ રેકાર્ડ્સમાં સ્થાન પામવાનું તેમનું સ્વપ્ન રહ્યું છે. ૨૦૨૧ સુધીમાં ગણેશે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન મેળવવાનું નક્કી કર્યું છે. ગણેશ શેનોયે હંમેશાંથી તેમનાં પેઇન્ટિંગ્સને પોતાની નિજી આવક માટે ન વેચતાં પરોપકારી સંસ્થાઓને દાનમાં આપ્યાં છે જેમણે એના વેચાણથી થતી આવકને સમાજકલ્યાણમાં વાપરી છે.

mangalore karnataka offbeat news hatke news national news