વિશ્વના સૌથી આ ખાનગી માલિકીના ટાપુનું નામ છે જસ્ટ રૂમ ઇનફ આઇલૅન્ડ

22 December, 2019 09:18 AM IST  |  Canada

વિશ્વના સૌથી આ ખાનગી માલિકીના ટાપુનું નામ છે જસ્ટ રૂમ ઇનફ આઇલૅન્ડ

જસ્ટ રૂમ ઇનફ આઇલૅન્ડ

કૅનેડા અને અમેરિકા વચ્ચેના હજારો ટાપુઓનો દ્વીપસમૂહ આવેલો છે. એમાં લગભગ ૩૩૦૦ ચોરસ ફુટનું ક્ષેત્રફળ ધરાવતો એક ખાનગી માલિકીનો ટાપુ છે જેનું નામ જસ્ટ રૂમ ઇનફ આઇલૅન્ડ. નામ મુજબ આ ટાપુ ખરેખર એક ઘર જેટલો જ ટચૂકડો છે. એ ટાપુ પર એક ઘર, એની બહાર બે-ચાર વૃક્ષો અને મિનિએચર બીચ છે. બીચ પર બેસવાની આરામદાયી બેન્ચ-ખુરસીઓ પણ છે. 

૧૯૫૦ના દાયકામાં સાઇઝલૅન્ડ ફૅમિલીએ વિરામ માટે અનુકૂળ સ્થાનરૂપે આ ટાપુ ખરીદ્યો ત્યારે તેમને આ જગ્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સાથે પર્યટકોનું આકર્ષણ બનશે એવો અંદાજ નહોતો. ઇન ફૅક્ટ, આ પરિવાર તેમના આ વેકેશન હોમની ખ્યાતિ વધે એવું પણ ઇચ્છતો નહોતો છતાં ફૅમિલીએ તેમના હક્કની જમીનને ટાપુ તરીકે માન્યતા મળે એ માટે કેટલીક જરૂરિયાતો પૂરી કરવા જતાં તેમને અનાયાસ ખ્યાતિ મળી ગઈ હતી. એ જરૂરિયાતોમાં એક ચોરસ ફુટ કરતાં વધારે ક્ષેત્રફળ, આખું વર્ષ જળસપાટીથી ઉપર રહે અને ઓછોમાં ઓછા એક ઝાડની ઉપસ્થિતિનો સમાવેશ હતો.

જોકે સાઇઝલૅન્ડ ફૅમિલીને ખ્યાલ નહોતો કે એ લોકો એ વખતે હબ આઇલૅન્ડ નામે ઓળખાતો આ ટાપુ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સનો હકદાર બનશે. હબ આઇલૅન્ડને સત્તાવાર રીતે ટાપુનો દરજ્જો મળતાં વિશ્વનો સૌથી નાના કદના ટાપુનો વિશ્વવિક્રમ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયો છે. આ અગાઉ સૌથી નાના ટાપુનો વિક્રમ સિસિલી પાસેના બિશપ રૉક બેટના નામે હતો. આ હબ આઇલૅન્ડનું કદ બિશપ રૉકના કદથી લગભગ અડધું છે. સાઇઝલૅન્ડ ફૅમિલીએ ટાપુને નવું નામ ‘જસ્ટ રૂમ ઇનફ’ આપ્યું અને પછી તો ઇતિહાસ રચાયો.

canada offbeat news hatke news