કરન્ટ લાગતાં હૃદય શરીરમાંથી બહાર આવી ગયું, ૩ સર્જરી કરીને માંડ બચાવ્યો

07 November, 2019 10:34 AM IST  |  Ahmedabad

કરન્ટ લાગતાં હૃદય શરીરમાંથી બહાર આવી ગયું, ૩ સર્જરી કરીને માંડ બચાવ્યો

માંડ માંડ બચ્યા આ ભાઈ...

રાજસ્થાનના જોધપુરમાં રહેતા ૧૭ વર્ષના દિનેશ પરિહારને બે મહિના પહેલાં ૧૧૦૦૦ વૉલ્ટનો વીજળીનો કરન્ટ લાગ્યો હતો. કરન્ટથી તેનું હૃદય શરીરની બહાર આવી ગયું હતું જેને કારણે તેનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું હતું. સાતમી સપ્ટેમ્બરે તેને ખૂબ નાજુક હાલતમાં અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો. વીજળીના કરન્ટને કારણે દરદીના શરીરના ઘણા અંગો દાઝી ગયા હતા. હાઈટેન્શન વાયરથી જે કરન્ટ લાગ્યો એનાથી તે પહેલા જ ઝટકામાં જમીન પર પડી ગયો. જોકે જમીન ભીની હતી અને કરન્ટવાળા વાયર નીચે હતા એને કારણે તેની છાતી પર અનેક જગ્યાએ ઊંડાં જખમ થઈ ગયા. કરન્ટને કારણે તેના શરીરનો ઘણોબધો ભાગ દાઝી ગયેલો. હૃદયની ઉપરની ત્વચા, સ્નાયુઓ, નસ અને હૃદયની રક્ષા કરતી પાંસળીની પણ ઉપરની પરત દાઝી ગઈ હતી. હૃદય સુધી કરન્ટ પહોંચ્યો હોવાથી એની ક્ષમતામાં પણ ગરબડ થઈ હતી. એમ છતાં તેનું ધડકવાનું ચાલુ હતું. હૃદય લિટરલી બહાર એક્સપોઝ થઈ રહ્યું હતું, પરંતુ ડૉક્ટરોએ તેની પર ત્રણ વાર સર્જરી કરી. પહેલી વાર દાઝેલો ભાગ દૂર કર્યો અને ક્ષતિગ્રસ્ત ભાગ દૂર કરવા જતાં હાર્ટ અને ફેફસાં પણ ખુલ્લાં થઈ જાય એવી સ્થિતિ હતી. બીજી વાર શરીરના સ્વસ્થ અવયવોમાંથી ટિશ્યુઝ લઈને ગ્રાફ્ટિંગ કરીને હૃદય-ફેફસાંને સુરક્ષાકવચ આપવામાં આવ્યું. સાત દિવસ આઇસીયુ અને દોઢ મહિનો હૉસ્પિટલમાં રહીને હવે દરદી સાજો થઈ ગયો છે. ડૉક્ટરનું કહેવું છે કે હવે તેનું હૃદય સામાન્ય વ્યક્તિ જેટલું સ્વસ્થ થઈ ગયું છે. જોકે હજીયે તેની છાતી પર મોટી નિશાની તો રહી જ છે.

jodhpur hatke news offbeat news