આ બહેને વિશ્વનું સૌથી મોટું પ્લાસ્ટિક-ફૂડનું કલેક્શન કર્યું

08 September, 2020 07:13 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

આ બહેને વિશ્વનું સૌથી મોટું પ્લાસ્ટિક-ફૂડનું કલેક્શન કર્યું

વિશ્વનું સૌથી મોટું પ્લાસ્ટિક-ફૂડનું કલેક્શન

લોકોને જાતજાતનું ખાવાનો શોખ હોય, પણ જપાનનાં અકિકો ઓબાટા નામના બહેનને ફૂડ કલેક્ટ કરવાનો શોખ છે. ફૂડ પણ ઓરિજિનલ નહીં, પ્લાસ્ટિકનું. પંદર વર્ષ પહેલાં તેણે રમકડાની બનેલી પ્લાસ્ટિકની આઇટમ્સ કલેક્ટ કરવાનું શરૂ કરેલું જે કલેક્શન આજે ૮,૦૦૦ના આંકડે પહોંચ્યું છે.

જપાનમાં અનેક રેસ્ટોરાંમાં તેમને ત્યાં મળતી ફૂડ-આઇટમ્સની પ્લાસ્ટિકની રેપ્લિકા જેવા રમકડા સજાવટ માટે મૂકવામાં આવે છે. જૅપનીઝ ભાષામાં એને સમ્પુરુ કહેવાય છે. રેસ્ટોરાંવાળા તેમને ત્યાં મળતી ચીજોનું માર્કેટિંગ કરવા તેમ જ કસ્ટમર્સને કઈ વાનગી ઑર્ડર કરવી એની મદદ મળે એ માટે આવી ફૂડ-આઇટમ્સની પ્લાસ્ટિકની ચીજો બનાવે છે. સમ્પુરુ બનાવનારા આર્ટિસ્ટ બને ત્યાં સુધી એકદમ સાચકલી લાગે એવી ચીજો બનાવે છે. અકિકોને તો ત્રીસ વર્ષ પહેલાંથી આવી ચીજો ગમવા લાગી હતી, પણ જ્યારે તેની બહેન એક રેસ્ટોરાંએ તેના મેન્યુને રીઑર્ગેનાઇઝ કરતી વખતે કાઢી નાખેલી જૂની ફૂડ-આઇટમ રેપ્લિકાનો ઢગલો ઘરે લઈ આવી ત્યારે તો તે રીતસર એના પ્રેમમાં જ પડી ગઈ.

જપાનના નરિતા ઍરપૉર્ટ નજીક રહેતી અકિકોના કલેક્શનમાં પીત્ઝા, સુશી, સેશિમી જેવી વાનગીઓ ઉપરાંત આઇસક્રીમ, સૉફ્ટ કેક જેવાં ડીઝર્ટ્સ પણ છે. તેણે કરેલા આ કલેક્શનને ૨૦૧૫માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. એ પછી પણ આ કલેક્શનમાં ઉમેરો થતો જ રહ્યો છે અને અકિકો પોતાનો જ વિક્રમ તોડતા રહ્યાં છે.

japan offbeat news hatke news