જંગલી રીંછને ભગાડવા માટે રોબો વુલ્ફ તહેનાત કરાયાં છે જપાનના એક શહેરમાં

14 November, 2020 07:28 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જંગલી રીંછને ભગાડવા માટે રોબો વુલ્ફ તહેનાત કરાયાં છે જપાનના એક શહેરમાં

રોબો વુલ્ફ

જપાનના તાકિકાવા શહેરમાં વારંવાર જંગલી રીંછ ઘૂસી જતાં હતાં એને કારણે સ્થાનિકોમાં જબરો આતંક મચ્યો હતો. જોકે શહેરના અધિકારીઓએ જંગલી પ્રાણીને શહેરથી દૂર રાખવા માટે રોબો વુલ્ફ મૂક્યાં છે. છેલ્લાં પાંચ વર્ષની સરખામણીએ રીંછનો ત્રાસ વધી ગયો હોવાથી શહેરના લોકોમાં વારંવાર ભયની સ્થિતિ નિર્માણ થતી હતી. સપ્ટેમ્બર મહિનામાં તો આ ઘટનાઓ ઘણી વધી ગઈ હતી. ચાલુ વર્ષમાં રીંછ લગભગ ૨૦ વ્યક્તિ પર હુમલો કરી ચૂક્યાં છે, જેમાંના બે જીવલેણ હતા. પરિણામે સ્થાનિક સરકારે તાકિકાવા શહેરમાં ઠેર-ઠેર રોબો વુલ્ફ મૂકી દીધાં હતાં.

આ કહેવાતું મૉન્સ્ટર વુલ્ફ ગોબરું ચીતરી ચડે એવું શરીર, ચાર પગ, ગૌરવર્ણ, ઉગ્ર ગણી શકાય એવો દેખાવ, લાલ ઝગમગ કરતી આંખો ધરાવે છે અને જ્યારે તેના ડિટેક્ટર્સ ઍક્ટિવેટ થાય ત્યારે તે માથું ફેરવી, લાઇટના ઝબકારા સાથે વિચિત્ર કહી શકાય એવા ૬૦ પ્રકારના અવાજ કાઢે છે. આ રોબોટિક મૉન્સ્ટર બનાવનાર કંપની ઓહતા સેઇકીએ છેલ્લાં બે વર્ષમાં આવા ૭૦ રોબો બનાવ્યા છે.

શિકાર તેમ જ અન્ય કારણસર જંગલી રીંછની પ્રજાતિ લુપ્ત થતાં પહેલાં વરુ દેશના મધ્ય અને ઉત્તરીય ટાપુઓ પર ફરતાં જોવા મળતાં હતાં. તાકિવાવા શહેરના અધિકારીઓએ કહ્યું કે નવેમ્બરના અંતમાં હાઇબરનેશનમાં જતાં પહેલાં ખોરાકની શોધ કરતાં હોવાથી આ સમયે રીંછ વધુ સક્રિય અને જોખમી બને છે. આ વર્ષે જંગલમાં કૉર્ન અને બદામના પાકમાં થયેલા ઘટાડાને લીધે પ્રાણીઓ નિર્વાહની શોધમાં નગરની નજીક ગયાં હતાં.

japan offbeat news hatke news international news