શોરૂમે સ્ટ્રીટ –ડૉગને દત્તક લીધો અને એને સેલ્સમેન બનાવી દીધો

05 August, 2020 07:14 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

શોરૂમે સ્ટ્રીટ –ડૉગને દત્તક લીધો અને એને સેલ્સમેન બનાવી દીધો

સેલ્સમેનના રૂપમાં ડૉગી

જસ્ટ કલ્પના કરો, તમે કોઈ કારના શો-રૂમમાં જાઓ અને તમારું સ્વાગત સેલ્સમૅનને બદલે એક ડૉગી કરે તો? અને એ ડૉગીના ગળામાં જે-તે કંપનીના કર્મચારીનો ટૅગ પણ લાગેલો હોય તો? આવી જ ઘટના ઘટી છે બ્રાઝિલમાં હ્યુન્દેઈના એક શોરૂમમાં. આ ડૉગીનું નામ છે ટસ્કન પ્રાઇમ. હ્યુન્દેઈના એ શોરૂમે શેરીમાં રખડતા એક ડૉગીને દત્તક લઈ લીધો છે. વાત એમ છે કે આ ડૉગી શો-રૂમની બહાર ભટક્યા કરતો હતો. રોજ આવવાને કારણે તેણે અહીંના કર્મચારીઓ સાથે સારીએવી દોસ્તી કરી લીધેલી. એ પછી તો તે જ્યારે શોરૂમ ખુલ્લો હોય ત્યારે અંદર જ બાઅદબ બેસી જતો અને કસ્ટમર્સની આગળપાછળ ફરતો રહેતો. તેનો સાલસ અને મિલનસાર સ્વભાવ જોઈને શોરૂમના લોકોએ તેને પણ અહીંનો જ કર્મચારી બનાવી દીધો. તેના માટે ખાસ એમ્પ્લોઇનો બિલ્લો બનાવ્યો અને તેના ગળામાં પહેરાવી દીધો. મે મહિનામાં આ ઘટનાએ આકાર લીધો અને ત્યારથી આ શોરૂમના સેલ્સમેનની જેમ આવનાર દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ કરીને આવકારે છે. શોરૂમના મૅનેજરનું કહેવું છે કે એને કારણે હવે શોરૂમમાં સેફ્ટીની ચિંતા ઘટી ગઈ છે.

brazil offbeat news hatke news international news