પત્નીએ આપેલું ટિફિન વેચીને ફાસ્ટ ફૂડ ખરીદતા પતિની ચોરી આખરે પકડાઈ

11 April, 2021 08:30 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પતિ ઑફિસમાં લંચ-ટાઇમમાં બહારથી ખાતો હતો, જેની પાછળ મહિને ૨૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૨૦,૪૮૪ રૂપિયા કરતાં વધુ ખર્ચ થતો હતો

પ્રતીકાત્મક તસવીર

પતિના ટિફિન માટે બનાવેલી સૅન્ડવિચ વેચીને પતિ ફાસ્ટ ફૂડ ખરીદતો હોવાનું જાણીને પત્ની દંગ રહી ગઈ હતી. આખી ઘટનાનો ખુલાસો કરતાં પત્નીએ જણાવ્યું હતું કે તેઓ પોતાનું ઘર ખરીદવા માગતા હતા, જે માટે તે બન્ને પૈસા બચાવવા ક્યાં કાપ મૂકી શકાય એની ચર્ચા કરી રહ્યાં હતાં. પતિ ઑફિસમાં લંચ-ટાઇમમાં બહારથી ખાતો હતો, જેની પાછળ મહિને ૨૦૦ પાઉન્ડ  એટલે કે લગભગ ૨૦,૪૮૪ રૂપિયા કરતાં વધુ ખર્ચ થતો હતો.

પતિ-પત્ની બન્નેએ મળીને આ ખર્ચ ઘટાડવા માટે પત્ની ઘરેથી ડબ્બો તૈયાર કરીને આપશે એવું નક્કી કર્યું, જે મુજબ પત્ની રોજ સવારે તેને સૅન્ડવિચ બનાવી આપતી હતી, પરંતુ પતિ મહાશય આ સૅન્ડવિચ વેચીને એના પૈસામાંથી બહારથી ફાસ્ટ ફૂડ ખરીદીને ખાતો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું એવામાં પતિનો એક મિત્ર ઘરે આવ્યો અને તેણે સૅન્ડવિચની વાત કાઢતાં ભાંડો ફૂટી ગયો હતો.

સૅન્ડવિચનાં વખાણ કરતાં પતિના મિત્રએ એની કિંમત થોડી વધારે હોવાની ફરિયાદ કરતાં પત્ની અચંબિત થઈ ગઈ હતી. મિત્ર ગયા પછી પત્નીએ આ બાબતે પતિ સાથે ચર્ચા કરી તો પતિએ પોતે બચતના પ્લાનમાં કોઈ અડચણ કર્યા વિના પોતાનો ખર્ચ કાઢી રહ્યો હોવાની દલીલ કરી હતી.

આ વાત સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં નેટિઝન્સે પતિની વર્તણૂકને વખોડતાં પત્ની પાસે સૅન્ડવિચની રેસિપી માગતાં પ્રશ્ન કર્યો હતો કે તું એવી કેવી સૅન્ડવિચ બનાવતી હતી કે તે બજાર કરતાં વધુ કિંમતે પતિ વેચી શકતો હતો.

offbeat news international news