કિસ્મત કા ખેલ હૈ: આ ટીનેજર ભિક્ષુકનો ફોટો વાયરલ થતા સેલિબ્રિટી બની ગઈ

09 April, 2020 07:14 AM IST  |  Philippines | Gujarati Mid-day Correspondent

કિસ્મત કા ખેલ હૈ: આ ટીનેજર ભિક્ષુકનો ફોટો વાયરલ થતા સેલિબ્રિટી બની ગઈ

કિસ્મત કા ખેલ હૈ ન્યારા

નસીબની બલિહારી જુઓ, ચાર વર્ષ પહેલાં ફિલિપીન્સના લુકબાન શહેરમાં ૧૩ વર્ષની એક ટીનેજર ભિક્ષુકની તસવીર આકસ્મિક રીતે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ અને આપોઆપ તેનું નસીબ પલટાયું. ભિક્ષા માગીને પેટિયું રળતી એ છોકરીને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે અચાનક શું બનશે, પરંતુ એ તસવીર વાઇરલ થયાનાં ચાર વર્ષોમાં એ છોકરી સૌથી જાણીતી બ્રૅન્ડ્સ માટે ફૅશન મૉડલિંગ કરી ચૂકી છે અને ટીવી રિયલિટી શોમાં પણ ચમકી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના એક લાખથી વધારે ફૉલોઅર્સ છે.

રીટા ગાવિયોલાની કથીરથી કંચન સુધીની યાત્રા ૨૦૧૬માં શરૂ થઈ. કચરો વીણનારા પિતા અને પાંચ ભાંડરડાંને સાચવતી ગરીબડી માની દીકરી રીટા એ વખતે લુકબાન શહેરમાં ભિક્ષા માગતી હતી. બે ટંકના ભોજનના વાંધા હોય ત્યાં એ છ ભાઈઓ-બહેનોમાંથી કોઈ સ્કૂલમાં ભણવા જતાં હોય એવી ધારણા તો કેવી રીતે રાખી શકાય? ૨૦૧૬ના મે મહિનામાં લુકબાન શહેરમાં પહિયાઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયેલા ફોટોગ્રાફર ટોફર ક્વિન્ટો બુર્ગોસની નજર ભિક્ષા માગતી રીટા પર પડી. તેની નૅચરલ બ્યુટી તરફ ટોફર આકર્ષાયો અને એક ફોટોગ્રાફ લઈને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો. એ એક અપલોડ ક્લિક દ્વારા રીટાનું નસીબ પલટાઈ ગયું. ફિલિપીન્સની બદિયાઓ નામની અનુસૂચિત જાતિની એ કન્યા રાતોરાત ‘બદિયાઓ ગર્લ’ નામે મશહૂર થઈ ગઈ હતી. મિસ વર્લ્ડ, મિસ ઇન્ટરનૅશનલ, મિસ અર્થ જેવી સુંદરીઓએ પણ સોશ્યલ મીડિયા પર પ્રકાશિત રીટાની તસવીરની ખોબલે-ખોબલે પ્રશંસા કરી. એ બધો ઊહાપોહ બે વર્ષોમાં ટાઢો પડી ગયો. પરંતુ સોશ્યલ મીડિયા પર તેનો ચાહક વર્ગ બહોળો છે. હજી પણ ઇન્સ્ટાગ્રામ પર તેના એક લાખથી વધારે ચાહકો છે અને મૉડલિંગનું કામ મળતું રહે છે. જોકે એ ડાહી છોકરી હવે ભૂતકાળના ઝગમગાટમાંથી બહાર આવીને જેટલું મળે એટલું મૉડલિંગનું કામ કરીને ભણતર પર ધ્યાન આપે છે.

philippines offbeat news hatke news international news