અહીં હનુમાનજીની પૂજા તો દૂર, તેમનું નામ પણ લેવાની છૂટ નથી

28 April, 2020 05:32 PM IST  |  Dehradun | Gujarati Mid-Day Online Correspondent

અહીં હનુમાનજીની પૂજા તો દૂર, તેમનું નામ પણ લેવાની છૂટ નથી

અહીં રામલીલા ચોક્કસ થાય છે અને એ પણ ત્રણ દિવસ સુધી ચાલે છે પણ અહીં કોઇ હનુમાનનાં ઉલ્લેખ સુદ્ધાં નથી કરતું.

લૉકડાઉનનો ભલે કોઇ બીજો ફાયદો ન હોય પણ રામાયણ મહાભારતનો આનંદ તો બધાએ લીધો છે. રામાયણમાં રામ અને સીતા ઉપરાંત લોકોને સૌથી વધુ પ્રિય પાત્ર છે હનુમાનનું. હનુમાનજીનાં ભક્તોની પણ કોઇ ખોટ નથી. જ્યારે ઘાયલ લક્ષ્મણ માટે હનુમાનજીએ સંજીવની બૂટી માટે આખો પર્વત જ ઉંચકી લીધો હતો તે એપિસોડ આવ્યો ત્યારે સોશ્યલ મીડિયા પર એ વાતની ચર્ચાઓ અટકી જ નહોતી. પણ તમે માનશો કે પવનપુત્ર હનુમાનનું આમતો હિંદુ ધર્મમાં બહુ મહત્વ છે પણ આપણા દેશમાં એક સ્થળ એવું છે જ્યાં તેમની પૂજા નથી થતી.આ સ્થળનાં લોકો હનુમાનજીથી નારાજ છે.

ઉત્તરાખંડનીમાં નીતિ-માણા એવા બે ગામ છે અને માણા બદ્રીનાથની ઉપર આવેલું છે અને આસપાસનો વિસ્તાર નીતિ ઘાટી કહેવાય છે. અહીં નીતિ ઘાટીમાં ચમોલી જિલ્લાની આગળ જતા દ્રોણાગિરી ગામ આવેલું છે.આ ગામડું લગભગ 14000 ફૂટની ઉંચાઇએ આવેલું છે.અહીંના લોકોનું માનવું છે કે હનુમાને સંજીવની બૂટી માટે જે આખેઆખો પર્વત ઉપાડી લીધો હતો તે અહીંયા જ હતો.લોકો તે પર્વતની પુજા કરતા હતા અને માટે જ લોકો હનુમાનથી નારાજ છે કે તેમણે પર્વત દેવતાનો જમણો હાથ જ આખેઆખો કાઢી નાખ્યો.અહીં હનુમાનજીની પૂજા નથી થતી.અહીં રામલીલા ચોક્કસ થાય છે અને એ પણ ત્રણ દિવસ સુધી ચાલે છે પણ અહીં કોઇ હનુમાનનાં ઉલ્લેખ સુદ્ધાં નથી કરતું.અહીંની રામલીલામાં રામ જન્મ, સીતા સ્વયંવર પછી સીધો રામનો રાજ્યાભિષેક જ દર્શાવાયો છે.

વાયકાઓની ખોટ નથી

વાલ્મીકિ રામાયણ અનુસાર હનુમાનજી પર્વતને તેની જગ્યાએ મૂકી આવ્યા હતા તો તુલસીદાસ રચીત રામાયણમાં હનુમાનજીએ એ પર્વત ત્યાં લંકામાં જ રહેવા દીધો હતો અને વર્તમાન શ્રીલંકામાં આ પર્વત શ્રીપદને નામે ઓળખાય છે. જો કે તે એડમ્સ પીકને નામે પણ ઓળખાય છે.એમ મનાય છે કે હનુમાનજી જ્યારે અહીં સંજીવની લેવા આવ્યા ત્યારે તે ગુંચવાઇ ગયા કે કયા પર્વત પર સંજીવની હશે.તેમણે ત્યાં કોઇ વૃદ્ધાને પુછ્યું અને તેણે દ્રોણાગિરી પર્વત તરફ આંગળી ચિંધી અને પછી હનુમાનજીએ પર્વતનો મોટોમસ ભાગ તોડ્યો અને ઉડવા માંડ્યા.માન્યતા અનુસાર તે મહિલાનો બહિષ્કાર કરાયો જેણે હનુમાનને દ્રોણાગિરી પર્વત દેખાડ્યો હતો અને આજે પણ પર્વતને ભગવાન માની વિશેષ દિવસે પૂજા કરનારા ગામડાંના લોકો તે દિવસે મહિલાઓના હાથનું નથી ખાતા અને મહિલાઓને આ પૂજામાં ભાગ પણ નથી લેવા દેતા.

ramayan offbeat news national news uttarakhand