ગૂગલ-મૅપની ગરબડથી લગ્નને બદલે સગાઈના સ્થળે પહોંચ્યો વરરાજા

11 April, 2021 08:38 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

હવે કોઈ પણ સ્થળે પહોંચવા માટે લોકો ગૂગલ-મૅપનો સહારો લે છે એમાં ઘણી વાર લોકો ખોટા સરનામે પહોંચ્યાની ઘટના પણ અનેક વેળા બની છે

લગ્નને બદલે સગાઈના સ્થળે પહોંચ્યો વરરાજા

પહેલાં અજાણ્યા સરનામે પહોંચવા ગામના ચોરે કે પાનના ગલ્લે ભેગા થયેલા લોકોને પૂછપરછ કરવામાં આવતી હતી, પણ મોબાઇલે લોકોના એકમેક સાથેના સંપર્કનો તંતુ તોડી નાખ્યો છે. હવે કોઈ પણ સ્થળે પહોંચવા માટે લોકો ગૂગલ-મૅપનો સહારો લે છે. એમાં ઘણી વાર લોકો ખોટા સરનામે પહોંચ્યાની ઘટના પણ અનેક વેળા બની છે.

ઇન્ડોનેશિયામાં બનેલી આવી ઘટનામાં વરરાજા તેનાં લગ્નના સ્થળે પહોંચવાને બદલે અન્ય સ્થળે પહોંચી ગયો હતો, જ્યાં સગાઈનું આયોજન ચાલી રહ્યું હતું. વાત જાણે એમ હતી કે એક જ ગામમાં એક જ દિવસે બે સ્થળોએ લગ્ન અને સગાઈ એમ બે પ્રસંગની ઉજવણી હતી, જેને લીધે કદાચ ગૂગલ-મૅપ પણ ગૂંચવાઈ ગયું.

ઉલ્ફા નામની ૨૭ વર્ષની એક યુવતીની સગાઈ હતી. તે સગાઈ માટે તૈયાર થઈ રહી હતી ત્યારે તેના ઘરઆંગણે બીજી જ વ્યક્તિ પહોંચી હોવાની વાતથી તે અજાણ હતી. તેના પરિવારે આગંતુકોને આવકાર્યા, ભેટ-સોગાદની આપ-લે થઈ, એટલામાં વરપક્ષની એક વ્યક્તિને તેઓ ખોટા સ્થળે આવી પહોંચ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું. બન્ને ગ્રુપના લોકોએ એકમેકની માફી માંગ છૂટા પડતાં પહેલાં વરપક્ષના લોકોએ પોતે ગૂગલ-મૅપના દોરવ્યા અહીં આવ્યા હોવાનું કબૂલ્યું હતું.

ઉલ્ફાના જણાવ્યા મુજબ તેના ફિયાન્સે સાથે આવતું ગ્રુપ રસ્તામાં શૌચાલય શોધવા રોકાતાં તેમને સ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો. ઉલ્ફાએ જણાવ્યા અનુસાર તેનો ફિયાન્સે કેમડાલનો રહેવાસી હતો જ્યારે ભૂલથી તેના પ્રસંગમાં પહોંચનારો યુવક પેમાલંગ ગામનો રહેવાસી હતો.

offbeat news indonesia