કાનપુરની પોલીસે માસ્ક ન પહેરવા બદલ બકરીની ધરપકડ કરી

28 July, 2020 07:07 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

કાનપુરની પોલીસે માસ્ક ન પહેરવા બદલ બકરીની ધરપકડ કરી

માસ્ક ન પહેરવા બદલ બકરીની ધરપકડ કરી

માસ્ક હવે વિશ્વભરમાં પહેરવેશનો એક અવિભાજ્ય અંગ બની ગયો છે. માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નીકળો તો દંડ કે ધરપકડની જોગવાઈ છે. જોકે કાનપુરમાં એક અત્યંત વિચિત્ર ઘટના બની છે, જેમાં એક બકરી પોલીસ-કસ્ટડીમાં પુરાઈ ગઈ છે. વાસ્તવમાં આ બકરીએ માસ્ક ન પહેર્યો હોવાથી એને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવી હતી.

વાત જાણે એમ છે કે કાનપુરમાં બેકોનગંજ વિસ્તારમાં માસ્ક ન પહેર્યો હોવાથી પોલીસે એક બકરીને કસ્ટડીમાં લીધી હતી. તેના માલિકને આ બાબતની જાણ થતાં તેણે દોડી જઈને પોલીસને કાકલૂદી કરીને પોતાની બકરીને છોડાવી લીધી હતી અને પોલીસે પણ હવેથી બકરી માસ્ક વગર રસ્તા પર નહીં દેખાય એ શરતે બકરીને છોડી છે.

માસ્ક ફરજિયાત છે એ સાચું, પણ પ્રાણીઓ માટે પણ? એવો પ્રશ્ન દરેકને થાય એ સ્વાભાવિક છે. જોકે પોલીસનું કહેવું છે કે જો કોરોના વાઇરસના ડરથી લોકો પોતાના પાળેલા ડૉગીને માસ્ક પહેરાવતા હોય તો બકરીને શા માટે નહીં. સોશ્યલ મીડિયા પર સમાચાર વાઇરલ થતાં લોકોએ એના પર જોક્સ બનાવવાની શરૂઆત કરી દીધી છે. જોકે હવે પોલીસે આખી વાતને એમ કહીને ફેરવી તોળ્યું છે કે અમે હકીકતમાં બકરીને નહીં, એના માલિકને પકડવા માગતા હતા, જેણે માસ્ક પહેર્યો નહોતો.

kanpur offbeat news hatke news national news