આ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ

01 March, 2021 09:31 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

આ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ

સ્ટ્રીટ આર્ટ

ચિત્રકલા, શિલ્પકલા અને હસ્તકલાના કેટલાક પ્રકારોમાં કલ્પનાની સાથે ભ્રાંતિ કે આભાસની અનુભૂતિનું પણ મહત્ત્વ છે. ફ્રાન્સમાં તો વળી સ્ટ્રીટ આર્ટ પણ સ્થાનિક સંસ્કૃતિનો હિસ્સો છે. એ સ્ટ્રીટ આર્ટની કલાકૃતિઓને પણ પારિતોષિકથી નવાજવામાં આવે છે. ફ્રાન્સના દરિયાકિનારાના શહેર બોલોન-સુર-મેરમાં સ્ટ્રીટ આર્ટ ફેસ્ટિવલ પણ યોજાય છે. તાજેતરમાં એ શહેરની સ્ટ્રીટ આર્ટની કલાકૃતિ ત્રોમ્પે-ઇ-ઑઇલ ફ્રેસ્કોને ૨૦૨૦ના મોસ્ટ બ્યુટિફુલ સ્ટ્રીટ આર્ટવર્કનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

ફ્રાન્સમાં શહેરી ચિત્રકલા વિશેના પૉર્ટલે યોજેલી સ્પર્ધામાં સ્પૅનિશ સ્ટ્રીટ આર્ટિસ્ટ ગોન્ઝાલો બોરોન્દોએ રચેલા ચિત્રને ગયા વર્ષના બેસ્ટ સ્ટ્રીટ આર્ટનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.

આ ચિત્રમાં શહેરના રુ જુલ્સ બોદિલોક વિસ્તારમાં રચાયેલી એ કૃતિની વિશેષતા એ છે કે પગથિયાંની સમાંતરે ચિત્રોની શ્રેણી રચાઈ છે. પગથિયાં ચડતા જાઓ તેમ-તેમ ચિત્રના અર્થ ઊઘડતા જાય છે. પહેલા પગથિયે બંધ દરવાજો જોઈને હવે કોઈ આશા બચી નથી એવી નિરાશાજનક સ્થિતિ જણાય છે. ત્યાર પછી ચેતનાના પટલ ઊઘડે અને જાગૃતિની અવસ્થા ખૂલતી જાય એમ-એમ મુક્ત ઇચ્છાશક્તિનાં આવરણ ખૂલતાં જાય છે. છેલ્લા પગથિયે ચિત્ર જોતાં સમજાય કે જીવન તો હજી શરૂ થયું છે. આશા ગુમાવવાની જરૂર નથી.

offbeat news international news france