ફ્લૉરિડાના ઝૂમાં મગર બૂટ ગળી ગયો, કરવી પડી સર્જરી

18 February, 2021 11:57 AM IST  |  Florida

ફ્લૉરિડાના ઝૂમાં મગર બૂટ ગળી ગયો, કરવી પડી સર્જરી

મગર

‘એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તરવા ગઈ, બિલ્લીને આવ્યાં ચક્કર, મગર બિલ્લીને ખાઈ ગયો’ એ કવિતામાં બિલાડીની કમનસીબી છે પરંતુ ફ્લૉરિડાના પ્રાણી સંગ્રહાલયના મગરની કમનસીબી ચર્ચાનો વિષય બની હતી. એના પેટમાંથી બૂટ કાઢવા માટે સર્જરી કરવી પડી હતી. ગઈ પાંચમી ફેબ્રુઆરીએ સેન્ટ ઑગસ્ટીન એલિગેટર ફાર્મ ઝૂઓલૉજિકલ પાર્કમાં ઝિપલાઇનર દ્વારા તળાવની પાર ઊતરવા ઉપરથી પસાર થતા માણસના પગમાંથી નીકળીને પડેલું બૂટ સીધું ૧૧ ફુટ લાંબા અને ૩૪૧ પાઉન્ડ વજન ધરાવતા મગરના મોઢામાં પડીને પેટમાં જતું રહ્યું હતું. એ બૂટ કાઢવા માટે યુનિવર્સિટી ઑફ ફ્લૉરિડા કૉલેજ ઑફ વેટરિનરી મેડિસિનના ડૉક્ટરોએ મગરના પેટની સર્જરી કરવી પડી હતી. બૂટ મોઢામાં પડ્યા પછી મગરે એને એક વખત ઉછાળ્યું, પણ બીજી વખત એ જૂતું સીધું ગળેથી પેટમાં ઊતરી ગયું હતું. ડૉક્ટરોએ એને વૉમિટ કરાવીને જૂતું કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં સફળતા ન મળતાં ગૅસ્ટ્રોનોમી સર્જિકલ પ્રોસીજર કરીને બૂટ બહાર કાઢ્યું હતું. 

florida offbeat news hatke news international news