નવું ઘર બનાવવા માટે બચાવેલા પાંચ લાખ રૂપિયા ઊધઈ‍ ખાઈ ગઈ

23 February, 2021 08:14 AM IST  |  Vijayawada | Gujarati Mid-day Correspondent

નવું ઘર બનાવવા માટે બચાવેલા પાંચ લાખ રૂપિયા ઊધઈ‍ ખાઈ ગઈ

વિજયવાડામાં ડુક્કર પાળીને અને એનું માંસ વેચીને ગુજરાન ચલાવનારા જમલૈયા નામના એક માણસને તાજેતરમાં જિંદગીભર યાદ રહી જાય એવો ઝટકો લાગ્યો હતો. પાઈ-પાઈ જોડીને તેણે પોતાનું નવું ઘર બાંધવા માટે પૈસા ભેગા કરીને એક ટ્રન્કમાં સાચવી રાખ્યા હતા. જોકે પોતાનું દેવું ચૂકવવા તેમ જ એક વ્યવસાયમાં રોકાણ કરવા માટે એક લાખ રૂપિયા ઓછા પડતાં તેણે ટ્રન્ક ખોલી તો તેની કમાણીના રૂપિયા ઊધઈએ સફાચટ કરી નાખ્યા હતા.

ઘટનાની જાણ થતાં જમલૈયાના પરિવારે કેટલા રૂપિયા બચી શક્યા છે એ જાણવા ટ્રન્ક ઊલટો કર્યો હતો. જમલૈયાની બચતમાં ૫૦૦, ૨૦૦, ૧૦૦, ૨૦ અને ૧૦ રૂપિયાની ચલણી નોટો હતી. અડધી ખરાબ થઈ ગયેલી નોટો તેણે ફેંકી દીધી હતી. જોકે આ કપાયેલી ચલણી નોટો સ્થાનિક બાળકોના હાથમાં આવતાં સ્થાનિકો એ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે જ્યારે કડક પૂછતાછ કરી ત્યારે જમલૈયાભાઈ ભાંગી પડ્યા અને આખીય ઘટના પોલીસને કહી દીધી. ઘટનાની જાણ થતાં બૅન્ક ઑફ બરોડાના અધિકારીઓ જમલૈયાને વળતર ચૂકવવાની તૈયારી બતાવી હતી. બૅન્ક ઑફ બરોડા કઈ રીતે વળતર ચૂકવશે એના આધારે બાકીની રકમનું પંચનામું કરીને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને મોકલવામાં આવશે એમ પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું. વધુમાં પરિવારનું બૅન્કમાં ખાતું પણ નથી. જોકે પોલીસે તેમને મદદ કરવાની બાંયધરી આપી છે.

offbeat news national news andhra pradesh vijayawada