મહાકાય મગરમચ્છના વિશાળ પેટમાંથી નીકળ્યા પાંચ ડૉગના બિલ્લા અને બીજી અનેક ચીજો

12 April, 2021 08:28 AM IST  |  Colton | Gujarati Mid-day Correspondent

૧૨ ફુટની લંબાઈ ધરાવતા આ મગરમચ્છના પેટને કસાઈની શૉપ પર ચીરવામાં આવ્યું

મહાકાય મગરમચ્છ, પેટમાંથી નીકળેલો કચરો

કોલેટોનમાં બીયુફોર્ટ સ્થિત અડિસ્ટો નદીના કાંઠેથી ૪૪૫ પાઉન્ડ એટલે કે લગભગ ૨૦૧ કિલોના મહાકાય મગરમચ્છને મારનાર અમેરિકાના સાઉથ કૅરોલિનાના શિકારી નેડ મૅકનીલેને મગરના પેટમાંથી મળેલી વસ્તુઓ જોઈને આંચકો લાગ્યો હતો.

૧૨ ફુટની લંબાઈ ધરાવતા આ મગરમચ્છના પેટને જ્યારે કસાઈની શૉપ પર ચીરવામાં આવ્યું ત્યારે એના પેટમાંથી મળેલી વસ્તુઓ જોઈને સૌકોઈ આશ્ચર્ય પામ્યા હતા. મગરમચ્છના પેટમાંથી પાંચ ડૉગ ટૅગ્સ (ડોગીના ગળામાં બાંધવામાં આવતા પટ્ટા સાથેના બિલ્લા) અને સ્પાર્ક પ્લગ મળી આવ્યાં હતાં. પ્રાપ્ત માહિતી મુજબ આ મગરમચ્છ ૨૪ વર્ષનો હતો અને હાલમાં જ એક ખાનગી મિલકતના સ્થળેથી દૂર કરવા એને મારવામાં આવ્યો હતો. સાઉથ કૅરોલિનામાં સ્થાનિક ટૅક્સીડર્મિસ્ટની શૉપ પર મગરમચ્છને લઈ જવાતાં એ સંબંધિત વિસ્તારનો સિરિયલ ડૉગ કિલર હોવાનું જાહેર થયું હતું.

મગરમચ્છના પેટમાંથી પાંચ ડૉગ ટૅગ્સ, એક બુલેટ જૅકેટ, એક સ્પાર્ક પ્લગ, ટર્ટલ શેલો અને ઘણા બૉબકૅટ પંજા સાંપડ્યાં હતાં. સ્થાનિક ટૅક્સીડર્મિસ્ટનું કહેવું છે કે જે વિસ્તારમાં મગરમચ્છની સંખ્યા વધુ હોય ત્યાં શ્વાન ખોવાઈ જવા એ સામાન્ય ઘટના છે.

offbeat news international news