સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે દર્દીને તપાસવાનો અનોખો જુગાડ કર્યો ડૉક્ટરે

29 July, 2020 07:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે દર્દીને તપાસવાનો અનોખો જુગાડ કર્યો ડૉક્ટરે

ફાઈલ તસવીર

કોરોનાથી બચવા માટે લોકોને વગરકારણે ઘરની બહાર ન નીકળવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ડૉક્ટરોએ તો સતત દર્દીઓના સંપર્કમાં રહેવાનું આવે છે. સામાન્ય દવાખાનાઓમાં આવતો દર્દી કોવિડ પૉઝિટિવ હશે કે નહીં એની કોઈ ખાતરી નથી એને કારણે ડૉક્ટરો ક્લિનિકમાં પણ પીપીઈ કિટ પહેરીને કામ કરે છે. જોકે ઓપન ક્લિનિકમાં દર્દીઓની પ્રાથમિક તપાસ વખતે પીપીઈ કિટ વિના પણ કેટલાક ડૉક્ટરો સોશ્યલ ડિસ્ટન્સિંગ દ્વારા પોતાને અને દર્દીઓને સેફ રાખવાની કોશિશ કરે છે. આવો જ એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

એમાં ડૉક્ટરે સ્ટેથોસ્કૉપનો વાયર એટલો લાંબો કરી દીધો છે કે દર્દીથી દસ-બાર ફુટ દૂર બેસીને પણ તેઓ દર્દીની ધડકન ચેક કરી શકે છે. સ્ટેથોસ્કૉપના વાયરનો એક છેડો ડૉક્ટરના કાનમાં હોય છે જ્યારે તપાસ માટેના સેન્સરવાળો ભાગ દર્દી પાસે છે. બાકી આખો વાયર દિવાલ સાથે ફિક્સ કરી લીધો છે. ડૉક્ટર દૂર બેઠા-બેઠા જ દર્દીને ઇન્સ્ટ્રક્શન આપે છે અને સ્ટેથોસ્કૉપને પોતાના જ શરીર પર ક્યાં ફેરવવું એની સૂચના આપે છે. સોશ્યલ મીડિયામાં આ ડૉક્ટરને તેની ક્રીએટિવિટી માટે ‘ડૉક્ટર ઑફ ધ યર’નો ખિતાબ આપવો જોઈએ એવી માગ ઊઠી છે.

offbeat news hatke news covid19 coronavirus lockdown