મોટા બ્રિજની વચ્ચોવચ આ નાનકડું ઘર કેમ?

09 August, 2020 07:07 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

મોટા બ્રિજની વચ્ચોવચ આ નાનકડું ઘર કેમ?

બ્રિજની વચ્ચોવચ આ નાનકડું ઘર

મુંબઈના રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સમાં બનતા કિસ્સાઓ સાથે સરખામણી કરી શકાય એવું ચીનમાં પણ બને છે. ચીનના ગ્વાંગડૉન્ગ પ્રાંતમાં એક ધોરી માર્ગ વિશિષ્ટ કારણસર ચર્ચાનો વિષય બન્યો છે. એ ધોરી માર્ગ પર એક બ્રિજ બાંધવાના માર્ગમાં અડચણરૂપ બધાં બાંધકામ હટાવાયાં, પરંતુ એક નાનકડું ઘર હટાવી ન શકાયું. ઘરના માલિકની આડોડાઈ કહો કે દાદાગીરી, એ ઘરને તોડવાનું સંભવ ન બન્યું અને એ ઘરને એમ જ રાખીને એની આજુબાજુમાં વિશાળ બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું.

ચીનમાં કોઈ યોજનાના અમલ માટે ખાલી કરાવવા કે હટાવવા પાત્ર બાંધકામોના માલિકો આડા ચાલવાની પ્રથા જાણીતી છે. એવા હઠાગ્રહી માલિકોના ઘર ‘નેઇલ હાઉસિસ’ના નામે ઓળખાય છે. નવા રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સનાં બાંધકામમાં વળતરની રકમ લઈને જગ્યા ખાલી કરવાની ઑફર્સ નકારતા લોકોના અનુભવો સામાન્ય છે, પરંતુ આ ગ્વાંગ્શુ શહેરમાં એ ધોરી માર્ગ પર ચાર લેનના રોડ બ્રિજમાં વચ્ચોવચ નડતરરૂપ નાનકડા ઘરને બચાવીને થયેલા બાંધકામને કારણે સ્થાનિક મીડિયામાં એ ઘર જબરી ચર્ચાનો વિષય બન્યું છે. એ વિસ્તારમાં બ્રિજ માટે ૪૭ ઘરમાલિકો અને સાત કંપનીઓની જગ્યાઓ ખાલી કરાવવામાં આવી હતી. એ બધાએ વૈકલ્પિક જગ્યા સ્વીકારીને બ્રિજ માટે જરૂરી જગ્યા ખાલી કરી હતી, પરંતુ હજી ત્યાં માત્ર ૪૦ સ્ક્વેર મીટરના ઘરમાં અડિંગો જમાવીને બેઠેલાં મિસ લિયાન્ગ ત્યાંથી ટસનાં મસ ન થયાં. તેમનું કહેવું હતું કે સરકારે મને વળતરની રકમ કે વૈકલ્પિક ઘરમાંથી એક પણ બાબતમાં સંતોષકારક ઑફર કરી નહોતી. કોઈ સારી જગ્યાએ ઘર આપવાને બદલે હૉસ્પિટલના શબઘરની સામેનો ફ્લૅટ ઑફર થયો હતો. જોકે ‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ અખબારના અહેવાલમાં સરકારી સૂત્રોને ટાંકતાં જણાવવામાં આવ્યું હતું કે મિસ લિયાન્ગને અનેક ઑફર્સ કરવામાં આવી હતી. એમાં સૌથી મોટી ઑફરમાં બે ફ્લૅટ્સ અને ૧.૪૦ કરોડ રૂપિયા રોકડાની હતી, પરંતુ મિસ લિયાન્ગે ચાર ફ્લૅટ અને ૨.૧૫ કરોડ રૂપિયાની માગણી કરી છે.

china offbeat news hatke news