40 દિવસ આ પાળેલી બિલાડી બંધ ઘરમાં રહી અને બચ્ચાંને જન્મ પણ આપ્યો

08 April, 2020 09:43 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

40 દિવસ આ પાળેલી બિલાડી બંધ ઘરમાં રહી અને બચ્ચાંને જન્મ પણ આપ્યો

બિલાડી બંધ ઘરમાં રહી અને બચ્ચાંને જન્મ પણ આપ્યો

ચીનના જે શહેરમાંથી કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો એ વુહાન શહેરમાં એક પાળેલી બિલાડી આઇસોલેશન અને ક્વૉરન્ટીન દ્વારા કોરોનાથી બચવા માટે ઉદાહરણરૂપ બની છે. વુહાન શહેરના મોગી ઉપનગરમાં ચીની નૂતન વર્ષ 25 જાન્યુઆરી પૂર્વે ૭ જણના એક કુટુંબનો કોરોના ઇન્ફેક્શનનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી એ બધા સારવાર માટે હૉસ્પિટલ ગયા ત્યારે ‘લે લે’ નામની પાળેલી બિલાડી સગર્ભા હતી. એને સાચવવા માટે કોઈને પૈસા આપીને રાખવાને બદલે એ પ્રાણીને એકલું રાખવાનું વિચારીને ઘરમાં બધી સગવડ રાખી. લગભગ ૧૦ કિલો કૅટ ફૂડનો થેલો ખુલ્લો રાખ્યો હતો. ‘લે લે’ એ થેલામાંથી ખાઈને ફિશ ટૅન્કમાંથી પાણી પી લેતી હતી. એ બિલાડીને બચ્ચાં આવે તો માલિકણે ડિલિવરી પૅડ પણ બનાવી રાખ્યું હતું. બાથરૂમમાં એક કૅટ ટૉઇલેટ હતું, જેનો ઉપયોગ એ હંમેશાં કરતી હતી એ પ્રમાણે કરતી રહી. પરિવારના સભ્યો કોરોનાની સારવાર પછી સાજા થઈને પાછા ઘરે પહોંચ્યા ત્યારે પાળેલી બિલાડી ‘લે લે’એ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો. કુટુંબીજનોએ એ બચ્ચાંને ‘શિયાઓહુ’, ‘હાનહાન’, ‘શિયાઓજા’ અને ‘યુયુ’ નામ આપ્યાં. એ ચાર શબ્દોને સાથે મૂકતાં એનો અર્થ ‘લડાયક વુહાન’ એવો થાય છે.

પરિવાર જ્યારે પાછો આવ્યો ત્યારે ‘લે લે’નું વજન લગભગ અડધું થઈ ગયું હતું, પરંતુ એના બચ્ચાં સ્વસ્થ અને શક્તિશાળી હતાં.

china offbeat news hatke news international news