આ મરઘીના ઇંડાની જર્દી પીળી નહીં, લીલી હોય છે!

24 May, 2020 11:04 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

આ મરઘીના ઇંડાની જર્દી પીળી નહીં, લીલી હોય છે!

આ મરઘીના ઇંડાની જર્દી પીળી નહીં, લીલી હોય છે!

સામાન્ય રીતે ઈંડાંની અંદરની જર્દી પીળા ચળકતા રંગની હોય, પણ એક મરઘી પીળા નહીં, લીલા રંગની જર્દીવાળાં ઈંડાં મૂકે છે એવો દાવો સાઉથ ઇન્ડિયાના એક પોલ્ટ્રી ફાર્મ દ્વારા થયો છે. સોશ્યલ મીડિયા પર એની તસવીરો વાઇરલ થઈ છે જે જોઈને નિષ્ણાતો પર અચંબામાં પડ્યા છે.

પહેલી નજરે તો એવું જ ધારી લેવામાં આવેલું કે આ ડિજિટલ ઇમેજ એડિટિંગનું કરતબ જ હશે, મલપ્પુરમના એ. કે. શિહાબુદ્દીનનું કહેવું છે કે મારા ફાર્મની એક મરઘી વાસ્તવમાં લીલા કલરના યોક ધરાવતા ઈંડાં મૂકે છે. પોતાની વાત પુરવાર કરવા માટે તેણે સોશ્યલ મીડિયા પર ઈંડાને તોડી તએમાંથી લીલા કલરના યોકનો વિડિયો પણ પોસ્ટ કર્યો. પત્રકારો અને વેટરનરી નિષ્ણાતો તેની પાસે આ રહસ્ય જાણવા આવ્યા હતા, પરંતુ આવું થવાનું કારણ તેને પોતાને પણ સમજાયું નથી.

લગભગ ૯ મહિના પહેલાં તેના પોલ્ટ્રી ફાર્મની એક મરઘીએ લીલા રંગના યોકવાળું ઈંડું આપ્યું હતું. આ મરઘીનાં બધાં જ ઈંડાં લીલા રંગના યોક ધરાવતાં હોવાથી તેણે આ મરઘીના ઈંડાને વાપર્યા વિના જ અન્ય ઈંડાંઓથી જુદાં રાખીને સેવવા માંડ્યાં. તેનું કહેવું છે કે ‘આ ઈંડામાંથી જે મરઘી નીકળી એમાંની કેટલીક મરઘીઓએ પણ લીલા રંગનાં ઈંડાં આપવાનું શરૂ કર્યું. અમે પરિવારના લોકોએ ઈંડાં ખાધાં, પણ એમાં કાંઈ ખરાબ જણાયું નહીં અને એનો સ્વાદ પણ સામાન્ય ઈંડા જેવો જ હતો.

કેરળ વેટરનરી અને ઍનિમલ સાયન્સ યુનિવર્સિટીના અધિકારીઓએ ફાર્મની મુલાકાત લઈને ઈંડાનાં સૅમ્પલ લૅબોરેટરીમાં તપાસ માટે લઈ ગયા છે. યુનિવર્સિટીના અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર એસ. સંકરલિંગમે જણાવ્યું કે અમુક ટેસ્ટ કર્યા પછી અમે એવા તારણ પર આવ્યા છીએ કે મરઘીઓને આપવામાં આવતો ખોરાક લીલા રંગનો હોવાથી ઇઈંડાના યોકનો રંગ લીલો હોઈ શકે છે.

kerala offbeat news hatke news national news