હાથ અને શ્રવણક્ષમતા નથી, પરંતુ પગથી ચિત્ર દોરવામાં જબરો છે આ કલાકાર

30 June, 2020 07:50 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

હાથ અને શ્રવણક્ષમતા નથી, પરંતુ પગથી ચિત્ર દોરવામાં જબરો છે આ કલાકાર

પગેથી પેન્ટિંગ બનાવતો કલાકાર

ભગવાન જ્યારે એક ઇન્દ્રિયની ખામી આપે ત્યારે બીજી ઇન્દ્રિયોની સતર્કતા અને ક્ષમતાઓ આપમેળે ખીલી ઊઠે છે. છત્તીસગઢના ભીલાઈ શહેરમાં રહેતા ગોકરણ પાટીલ નામના ભાઈ સાથે પણ કંઈક આવું જ થયું છે. ગોકરણને જન્મથી જ હાથ નથી. એટલું ઓછું હોય એમ શ્રવણક્ષમતા પણ નથી. એક તો બધિરપણું અને બીજી તરફ હાથ ન હોવાથી અનેક કામમાં પરાવલંબન સ્વીકારવું પડે એવી સ્થિતિ છતાં ગોકરણની અંદરના કલાકારને ખીલવામાં કોઈ અવરોધ નડ્યા નથી. ઇન ફૅક્ટ, આ મુશ્કેલીઓને કારણે જ તેણે પોતાની અંદરની ક્ષમતાઓ પર એકાગ્રતા કેળવી લીધી છે અને પગથી પેઇન્ટિંગ કરવાની કળા શીખી લીધી છે. સખત મહેનત અને દૃઢ નિશ્ચય દ્વારા તેણે ચિત્રકળાને પોતાના સપનાને કૅન્વસ પર ઉતારવાનું માધ્યમ બનાવી દીધું છે. ગોકરણની ખંત અને ખૂબીઓને ઉજાગર કરતો વિડિયો એક આઇએએસ અધિકારી પ્રિયંકા શુક્લાએ ટ્વિટર પર શૅર કર્યો છે. આ વિડિયોમાં ગોકરણનાં પેઇન્ટિંગ્સ બતાવવામાં આવ્યાં છે, એટલું જ નહીં, તે કેવી રીતે પગની આંગળીઓમાં પીંછી પકડીને એનું સર્જન કરે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. પગના અંગૂઠા અને આંગળી વચ્ચે બ્રશ પકડીને એને વિવિધ રંગમાં બોળીને તે જે નજાકત અને કલાત્મકતાથી ચિત્ર દોરે છે એ અભિભૂત કરનારું છે. તેને પેઇન્ટિંગ દોરતાં જોવાનું પ્રેરણાદાયી છે. 

chhattisgarh offbeat news hatke news national news