બે મહિનાથી ન બોલી શકનારી મહિલા જ્યારે બોલી, ત્યારે થયો આ ચમત્કાર

24 June, 2020 07:14 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

બે મહિનાથી ન બોલી શકનારી મહિલા જ્યારે બોલી, ત્યારે થયો આ ચમત્કાર

એમિલી એગન

બ્રિટનના એસેક્સની રહેવાસી ૩૧ વર્ષની એમિલી એગન ગયા જાન્યુઆરી મહિનામાં અચાનક મૂંગી થઈ ગઈ હતી. બે અઠવાડિયાં સુધી માથામાં દુખાવો થયા પછી તેની વાચા હણાઈ ગઈ હતી. ગળામાં કોઈ વ્યાધિ થયા પછી બે મહિના સુધી કઈં બોલી શકતી નહોતી. પરંતુ તે બોલવા માંડી ત્યારે ચાર વિદેશી ભાષાઓના સ્થાનિક લહેજામાં ફડફડાટ બોલતી હતી. ક્યારેક તે અસ્સલ રશિયન ઉચ્ચારો પ્રમાણે બોલે છે.

એમિલી એગન બૉર્નમાઉથમાં એક ચિલ્ડ્રન્સ-હોમ ચલાવે છે. ગયા ડિસેમ્બર મહિનામાં એ ચિલ્ડ્રન્સ હોમના સાથીઓએ નોંધ્યું હતું કે એમિલીની જીભ થોથવાતી હતી અને તેની બોલવાની ગતિ પણ ધીમી પડી ગઈ હતી. એમિલીને સ્ટ્રોક આવ્યો હોવાનાં લક્ષણ જણાતાં હતાં. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી, પરંતુ હૉસ્પિટલમાં પહોંચ્યા ત્યારે એમિલી બોલવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી. ડૉક્ટરોએ તેને તપાસ્યા પછી તેને ગળામાં કોઈ તકલીફ હોવાની શક્યતા નકારી હતી. તબીબી નિષ્ણાતોએ એમિલીના મગજમાં ઈજા થઈ હોવાનું નિદાન કર્યું હતું.

એમિલીએ હૉસ્પિટલમાં ત્રણ અઠવાડિયાં પસાર કર્યા છતાં બોલવાની પૂરેપૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકી નહોતી. ચિલ્ડ્રન્સ-હોમમાં બહેરાં-મૂંગાં બાળકો સાથે વાતચીત માટે શીખેલી સાંકેતિક ભાષા તેને ઘરે પહોંચ્યા પછી સંવાદમાં ઉપયોગી થઈ હતી. હતી. એ કામ માટે તેના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરેલી ટેક્સ્ટ ટુ સ્પીચ ઍપ વાપરવાનું તેણે શરૂ કર્યું હતું. એમિલીએ ન્યુરોલૉજિસ્ટને બતાવતાં તેમણે બહારગામ ફરવા જવા અને એ જગ્યાએ શક્ય એટલો આરામ કરવાની સલાહ આપી હતી એથી એમિલી તેના પતિ બ્રેડલી સાથે થાઇલૅન્ડમાં વેકેશન માટે રવાના થઈ ગઈ હતી. ન્યુરોલૉજિસ્ટની સલાહ અસરકારક નીવડી હતી. થાઇલૅન્ડમાં થોડા દિવસ રહ્યા પછી ધીમે-ધીમે તેણે બોલવાનું શરૂ કર્યું હતું.

એમિલીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે તેને કોઈ બહેરી વ્યક્તિ શબ્દો શોધીને બોલવાનો પ્રયત્ન કરતી હોય એવો અહેસાસ થતો હતો. અગાઉ ઊંચા અવાજ અને સ્પષ્ટ ઉચ્ચારોમાં બોલતી એમિલી હવે ઊંડાણમાંથી શબ્દો આવતા હોય એવા હળવા ઉચ્ચાર સાથે હળવી શૈલીમાં લગભગ રશિયન લહેજામાં બોલતી હતી. તેને પોતાને એવું લાગ્યું એ જાણે વિદેશી ભાષામાં બોલી રહી છે. પૂર્વ યુરોપની ભાષાઓના શબ્દો અને લહેજામાં બોલી રહી હોવાનો અહેસાસ થતાં એમિલીને આશ્ચર્ય થયું હતું. એ રશિયન ઉપરાંત પૉલીશ, ઇટાલિયન અને ફ્રેન્ચ શૈલીમાં બોલવા માંડી હોવાનું જાણીને તેને પોતાને નવાઈ લાગવા માંડી હતી. એવું શા માટે બનતું હતું એનાં કારણો એમિલીને સમજાતાં નહોતાં, પરંતુ તેને થોડા કલાકોમાં ખૂબ થાક લાગતો હતો. ગયા માર્ચ મહિનામાં એમિલીની માનસિક સ્થિતિમાં ફૉરેન એક્સેન્ટ સિન્ડ્રૉમ હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. ફક્ત વાચાશક્તિ પાછી આવી એની એમિલી અને તેના પરિવારને ખુશી હતી. હવે તો મોઢામાંથી આવતો અવાજ તેનો પોતાનો હોવાનું એમિલી પોતે માની શકતી નથી.

offbeat news hatke news international news