જાણો કેમ બેન્કના સીઈઓએ શિક્ષકને 30 લાખના શૅર્સ ગિફ્ટમાં આપ્યા

08 October, 2020 07:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જાણો કેમ બેન્કના સીઈઓએ શિક્ષકને 30 લાખના શૅર્સ ગિફ્ટમાં આપ્યા

સી. વી. વૈદ્યનાથ

ખરા અર્થમાં આભારની લાગણી કે કૃતજ્ઞતા કેવી રીતે વ્યક્ત કરી શકાય એનાં ઉત્તમ ઉદાહરણોમાંથી એક કૉર્પોરેટ બૅન્કના ઉચ્ચ અમલદારે દાખવ્યું છે. આઇડીએફસી ફર્સ્ટ બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સી. વી. વૈદ્યનાથને ગણિતના ભૂતપૂર્વ શિક્ષક ગુરદયાલ સૈનીને ૩૦ લાખ રૂપિયાના શૅર ગિફ્ટ આપ્યા છે. એનું કારણ એ હતું કે ઘણાં વર્ષો પહેલાં વૈદ્યનાથનસાહેબ બિટ્સ પિલાની યુનિવર્સિટીમાં ઍડ્મિશન માટે ઇન્ટરવ્યુ-કાઉન્સેલિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ઇન્ટરવ્યુ આપવા જવા માટેના પૈસા પણ નહોતા. ઇન્ટરવ્યુના સ્થળ સુધી પહોંચવાના પ્રવાસખર્ચના ૫૦૦ રૂપિયા મૅથ્સ ટીચર સૈનીસાહેબે આપ્યા હતા.

ત્યાર પછી વૈદ્યનાથનનો અભ્યાસ પૂરો થયો અને નોકરીમાં એક પછી એક પગથિયાં ચડતા ગયા હતા. એ સમયગાળામાં તેઓ પોતાના એ મૅથ્સ ટીચર સૈનીસાહેબને શોધતા હતા, પરંતુ સૈનીસાહેબ જૉબ બદલતા રહેતા હોવાથી તેમને શોધવામાં સફળતા ન મળી. ઘણા વખત પછી એક ભૂતપૂર્વ સાથી કાર્યકર દ્વારા જાણવા મળ્યું કે સૈનીસાહેબ આગરામાં રહે છે. તેમને ફોન-નંબર પણ મળ્યો. વૈદ્યનાથને સૈનીસાહેબ સાથે ફોન પર વાત કરીને યોગ્ય સમયે યોગ્ય સહાય માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આઇડીએફસીના એક લાખ ફુલ્લી પેઇડઅપ ઇક્વિટી શૅર્સ ગણિતના શિક્ષક ગુરદયાલ સૈનીના નામે ટ્રાન્સફર કર્યા હતા. કૃતજ્ઞતાના ઉદાહરણરૂપ ઘટનાનું વર્ણન કરતી ફેસબુકની પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

offbeat news hatke news