ઑટોમૅટિક દરવાજો : નો માસ્ક, નો એન્ટ્રી

08 October, 2020 07:32 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

ઑટોમૅટિક દરવાજો : નો માસ્ક, નો એન્ટ્રી

માસ્ક ઉપરાંત એ દરવાજા પાસે સેન્સર્સ પણ છે જે બૉડી-ટેમ્પરેચર પણ નોંધે છે

કોરોના રોગચાળાને કારણે દુનિયાભરમાં બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું લગભગ ફરજિયાત થઈ ગયું છે. અનેક સાર્વજનિક સ્થળે માસ્ક પહેર્યા વગરની વ્યક્તિને પ્રવેશ નહીં અપાય એવા નિયમો બની ગયા છે. એની સાથે જ થર્મલ સ્ક્રીનિંગ દ્વારા ટેમ્પરેચર જાણીને વ્યક્તિને તાવ છે કે નહીં એની જાણકારી જરૂરી છે. સાથે સૅનિટાઇઝરથી અવારનવાર હાથની સફાઈ કરવાની સૂચના અપાય છે. જ્યાં આ ત્રણ બાબતો સમજાવવા માટે માણસોની સમજ ટૂંકી પડે ત્યાં રોબોને તહેનાત કરવામાં આવ્યા છે. જોકે થાઇલૅન્ડમાં એ બધી લમણાઝીંકનો અંત આણવા માટે દુકાનોના ઑટોમૅટિક દરવાજા એ કામ સંભાળે છે. માસ્ક વગરની કે ટેમ્પરેચર ધરાવતી વ્યક્તિ માટે દુકાનો કે શૉપિંગ સેન્ટરના દરવાજા ખૂલતા જ નથી. જો તમે માસ્ક પહેરેલો ન હોય તો આ શૉપિંગ સેન્ટરના દરવાજા બંધ જ રહે છે. માસ્ક ઉપરાંત એ દરવાજા પાસે સેન્સર્સ પણ છે જે બૉડી-ટેમ્પરેચર પણ નોંધે છે.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આવો એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ઑટોમૅટિક ડોર ફક્ત બે સેકન્ડમાં માસ્ક અને ટેમ્પરેચરની તપાસ કરી લે છે. ઑટોમૅટિક ડોર દ્વારા દુકાનોમાં આવતા ગ્રાહકો-મુલાકાતીઓમાંથી ત્રણ ટકા લોકો માટે માસ્ક પહેરવા સંબંધી ફરિયાદ હોય કે તેમને ટેમ્પરેચર હોય એવું નોંધાય છે.

કોરોના રોગચાળો ફેલાયા પછી વિશ્વના વિવિધ દેશોમાંથી અવનવા બનાવો જાણવા મળે છે. પહેલાં લૉકડાઉનમાં લોકોની અનેક પ્રકારની પ્રવૃત્તિઓ જાણવાનું કુતૂહલ રહેતું હતું. ત્યાર પછી લૉકડાઉનના નિયમોના પાલન સંબંધી ઘટનાઓની ચર્ચા ચાલતી હતી. લૉકડાઉન ખૂલવા માંડ્યા પછી ફિઝિકલ ડિસ્ટન્સિંગ, સોશ્યલ હાઇજીન અને સ્વચ્છતાના અમલ માટે યંત્રમાનવોના ઉપયોગ સહિતની નવી-નવી બાબતો સમાચારમાં આવવા માંડી. દક્ષિણ ભારતની સાડીની દુકાનમાં એક સાડીધારી સ્ત્રીનું પૂતળું-મેનિકીન ફરી ફરીને ગ્રાહકોનાં ટેમ્પરેચર તપાસવા તેમ જ સૅનિટાઇઝર વહેંચવાનું કામ કરતું હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો.

offbeat news hatke news thailand international news