દીકરીની સારવાર માટે આ પિતાએ ઉઘાડા પગે 1100 કિમી ચાલીને દાન ભેગું કર્યું

08 August, 2020 08:06 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

દીકરીની સારવાર માટે આ પિતાએ ઉઘાડા પગે 1100 કિમી ચાલીને દાન ભેગું કર્યું

1100 કિલોમીટર ચાલીને દાન ભેગું કર્યું આ પિતાએ

બ્રિટિશ લશ્કરના એક મેજરે દીકરીની બીમારીના ઉપચાર માટે ૧૧૦૦ કિલોમીટર ઉઘાડા પગે ચાલીને ૧૧,૮૭૧ લોકો પાસેથી નાની-નાની રકમોનાં દાન લઈને ૨.૧૯ લાખ પાઉન્ડ (અંદાજે ૨.૧૫ કરોડ રૂપિયા) ભેગા કર્યા હતા. મેજર ક્રિસ બ્રૅનિગને પચીસ કિલોની બૅગ ખભે ઉપાડીને લૅન્ડ્સ-એન્ડથી શરૂઆત કરીને એડનબર્ગ સુધી ઉઘાડા પગે ચાલીને લોકો પાસે મદદ માગી હતી.

દીકરી હસ્તી માટે સોશ્યલ મીડિયા પર બનાવવામાં આવેલા ફન્ડરેઇઝિંગ પેજ પર ક્રિસ બ્રૅનિગને લખ્યું હતું કે ‘હું જાણું છું કે આ ઘેલછા છે, પરંતુ પ્રામાણિકપણે કહું તો હું નિષ્ફળતાથી ભયભીત છું. ઘણી પીડાદાયક યાત્રા છે, મને ઘૂંટણમાં ઈજા થઈ છે, પરંતુ હું પિતા છું, અસાધ્ય બબીમારી ધરાવતી મારી દીકરી હસ્તી અને બીજા બાળદરદીઓ માટે લડત આપવાની મારી ફરજ છે. મારે મહેનત કરવી પડશે.’

આઠ વર્ષની બાળકી હસ્તીને ૨૦૧૮માં કોર્નેલિયા ડી લેન્ગ સિન્ડ્રૉમ નામની બીમારી થઈ હોવાનું નિદાન ડૉક્ટરોએ કર્યું હતું. એ જિનેટિક ડિસૉર્ડરમાં બાળકનું માનસિક આરોગ્ય કથળે છે. અવારનવાર વાઈના હુમલા થાય છે. ચિંતા અને માનસિક તાણ પણ વધે છે. કમનસીબે એ બીમારીની કોઈ દવા કે સારવાર ઉપલબ્ધ નથી. હસ્તી ડાન્સર કે શેફની કારકિર્દી ઘડવાનાં સપનાં સેવતી હતી, પરંતુ તેને આ બીમારી હોવાનું નિદાન થતાં ક્રિસ અને તેની પત્ની હેંગામે ડેલ્ફેનીનેજાદ સાવ ભાંગી પડ્યાં હતાં. બન્નેએ દીકરીની બીમારીની સારવાર માટે બે વર્ષ મહેનત કર્યા પછી ‘હૉપ ફૉર હસ્તી’ નામે પોતાનું ચૅરિટી ફન્ડ સ્થાપ્યું હતું. હવે એ અસાધ્ય બીમારીની સારવાર વિશે સંશોધન થાય ને દીકરીને સાજી કરી શકાય એ માટે નક્કર સંશોધન થાય એ માટે ભંડોળ એકઠું કરવા ક્રિસ તનતોડ મહેનત કરી રહ્યો છે.

offbeat news hatke news