આ બાળકીએ પોતાની સર્જરીના પૈસા ભેગા કરવા લીંબુપાણી વેચવાનું શરૂ કર્યું

05 March, 2021 07:32 AM IST  |  America

આ બાળકીએ પોતાની સર્જરીના પૈસા ભેગા કરવા લીંબુપાણી વેચવાનું શરૂ કર્યું

લિઝા સ્કૉટ

અમેરિકાના અલાબામામાં આવેલા બર્મિંગહૅમમાં રહેતી ૭ વર્ષની લિઝા સ્કૉટે રમકડાં અને હાઈ-હીલ શૂઝ ખરીદવા માટે ગયા ઉનાળામાં તેની મમ્મીની બેકરીમાં લેમનેડ સ્ટૅન્ડ શરૂ કર્યું હતું. મહિનાઓ પછી પણ લિઝાએ શરૂ કરેલું લેમનેડ સ્ટૅન્ડ ચાલુ છે, પણ એમાંથી મળતા પૈસા લિઝાના મગજની સર્જરી પાછળ વપરાઈ રહ્યા છે. ગયા મહિને ડૉક્ટરોએ લિઝાના મગજની સર્જરી કરાવવી જરૂરી હોવાનું જણાવતાં લિઝા સ્વયં પોતાની સર્જરી માટે નાણાં એકત્રિત કરવાના કામમાં જોડાઈ હતી. બર્મિંગહૅમમાં સેવેજિઝ બેકરી નજીક લિઝાનું લેમનેડ સ્ટૅન્ડ આવેલું છે. તેના સ્વાસ્થ્ય અને તેના અભિગમ વિશે જાણ થતાં લોકોએ અહીં સારોએવો ફાળો આપ્યો હતો.

અગાઉ જ્યારે બે મોટી સર્જરી કરવામાં આવી ત્યારે હૉસ્પિટલમાં જ લિઝાને લેમનેડ સ્ટૅન્ડનો વિચાર સ્ફુર્યો હતો એવું તેની માતા એલિઝાબેથ સ્કૉટે જણાવતાં કહ્યું હતું કે હું સિંગલ મધર છું અને મારાં સંતાનોની જવાબદારી ઉઠાવું છું. મેં દીકરીને કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. લિઝાને નાનો ભાઈ પણ છે છતાં લિઝાએ પૈસા એકઠા કરવામાં પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું અને તેના નાનાઅમસ્તા સ્ટૅન્ડ થકી થોડા દિવસોમાં ૧૨,૦૦૦ ડૉલર કરતાં વધુ રૂપિયા ભેગા થયા છે. એમાંની લગભગ તમામ રકમ દાનસ્વરૂપે મળી છે.

offbeat news hatke news international news united states of america