35 વર્ષ જૂનાં માઇકલ જૉર્ડનનાં આ જૂતાં અધધધ 4.25 કરોડ રૂપિયામાં વેચાયાં

26 May, 2020 07:31 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

35 વર્ષ જૂનાં માઇકલ જૉર્ડનનાં આ જૂતાં અધધધ 4.25 કરોડ રૂપિયામાં વેચાયાં

માઇકલ જૉર્ડનનાં આ જૂતાં

જૂતાના શોખીન તો અનેક લોકો હોય છે, પણ જૂનાં જૂતાં ભાગ્યે જ કોઈ ખરીદવાનું પસંદ કરે એવામાં અમેરિકામાં થયેલી એક ઑનલાઇન લિલામીમાં સેકન્ડહૅન્ડ જૂતાં વિક્રમી ૫,૬૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૪.૨૫ કરોડ રૂપિયામાં વેચાયાં છે.

આટલી ઊંચી કિંમતે વેચાયેલાં આ જૂતાંની વિશેષતા એ છે કે એ શ્રેષ્ઠ બાસ્કેટબૉલ પ્લેયર માઇકલ જૉર્ડનનાં છે. ૧૯૮૫માં એક રમતમાં પહેરેલાં આ જૂતાં પર માઇકલે પોતાની સહી કરી છે. લિલામી કરનાર કંપનીનો દાવો છે કે આ અગાઉ આટલી ઊંચી કિંમતે કોઈ જૂતાં વેચાયાં નહીં હોય. વેબસાઇટના જણાવ્યા મુજબ છેલ્લી ૨૫ મિનિટમાં જ જૂતાંની કિંમત કરોડોમાં પહોંચી ગઈ હતી પરંતુ સૌથી ઊંચી બોલી બોલનારે જે કિંમત લગાવી એનાથી વધુ ઊંચા જવાની કોઈ હિંમત કરી શક્યું નહીં.

બાસ્કેટબૉલ પ્લેયરનાં આ જૂતાંની બીજી વિશેષતા એ છે કે નાઇકી કંપનીએ નાઇકી ઍર-1 નામના લાલ અને સફેદ રંગનાં આ જૂતાંની માત્ર ૧૨ જોડી બનાવી હતી જેમાં એક જૂતાનો નંબર ૧૩ અને બીજા જૂતાનું કદ ૧૩.૫ ઇંચ હતું.

united states of america offbeat news hatke news