હૉસ્પિટલ પહોંચે એ પહેલા પાર્કિંગ-લૉટમાં જ મહિલાએ બાળકને જન્મ આપ્યો

01 July, 2020 07:23 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલ પહોંચે એ પહેલા પાર્કિંગ-લૉટમાં જ મહિલાએ બાળકને જન્મ આપ્યો

પાર્કિંગ લૉટમાં માતાએ આપ્યો બાળકને જન્મ

જ્યારે પ્રસૂતિની પીડા ઊપડે છે ત્યારે ક્યારેક ડિલિવરી થતાં કલાકો નીકળી જાય છે તો ક્યારેક હૉસ્પિટલ પહોંચવા સુધી પણ સમય નથી રહેતો. થોડા દિવસ પહેલાં અમેરિકાના ફ્લૉરિડાની રહેવાસી સુસાન ઍન્ડરસનને પ્રસૂતિની પીડા ઊપડતાં તે પોતાની કારમાં ઝડપથી મેડિકલ સેન્ટર પહોંચી હતી, પરંતુ એ કારમાંથી ઊતરીને બે ડગલાં આગળ વધી ત્યાં તો બાળકનું માથું બહાર આવી ગયું હતું. ત્યાર બાદ મેડિકલ સેન્ટરની એક મિડવાઇફે પરિસ્થિતિ સંભાળી લીધી અને માતા-સંતાન બન્નેને મુશ્કેલીમાંથી ઉગારી લીધાં હતાં. બાળક સુસાનનાં અંતઃવસ્ત્રોમાંથી બહાર આવી રહ્યું હતું એ મેડિકલ સેન્ટરની મિડવાઇફ સાન્ડ્રા લોવિયાનાએ જોયું અને તેએણે લગભગ બાળકને ઝીલી લઈને નીચે પડતું બચાવ્યું હતું. ત્યાર પછી માતા અને બાળકી જુલિયાને હૉસ્પિટલના બેડ પર લઈ જઈને અન્ય સારવાર કરવામાં આવી હતી. બન્નેની તબિયત સારી હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.

સુસાન બાળકને પાણીમાં જન્મ આપવા ઇચ્છતી હોવાથી મેડિકલ સેન્ટરમાં બનાવવામાં આવેલી તલાવડી કે કુંડની દિશામાં દોડીને પહોંચી જવા ઇચ્છતી હતી, પરંતુ પાર્કિંગ-લૉટમાં જ આવું બની જશે એનો અંદાજ નહોતો. પીડાને કારણે સુસાનનો અવાજ અને આસપાસના લોકો શું થયું એ જોવા-જાણવા દોડ્યા એની ધમાલ જોઈને બે પોલીસ પણ પહોંચી ગઈ હતી. બીજી બાજુ સાન્ડ્રા લોવિયાનાએ પણ રીતસર દોડીને પોલીસમેનોને કહ્યું કે હું મિડવાઇફ છું, તમે ખસો. સાન્ડ્રાએ લગભગ બૉલનો કૅચ પકડ્યો હોય એ રીતે તેણે બાળકને નીચે પડતું બચાવી લઈને માતાના હાથમાં મૂકી દીધું અને સુસાન મેડિકલ સેન્ટરનાં પગથિયાં ચડવા માંડી હતી.

florida united states of america offbeat news hatke news international news