13 December, 2019 09:17 AM IST | America
198 કર્મચારીઓ વચ્ચે 70 કરોડ રૂપિયાનું બોનસ
જેમ આપણે ત્યાં દિવાળીમાં બોનસ આપવાનો રિવાજ છે એમ પશ્ચિમના દેશોમાં ક્રિસમસ આવે ત્યારે કંપનીના કર્મચારીઓને ભેટરૂપે કંઈક આપવાનો શિરસ્તો બની રહ્યો છે. અમેરિકાના મૅરિલૅન્ડ રાજ્યની રિયલ એસ્ટેટ કંપનીએ વાર્ષિક હૉલિડે પાર્ટીમાં તેમના કર્મચારીઓને એવું બોનસ આપ્યું કે બધાના ચહેરા ખીલી ઊઠ્યા. સૅન્ટ જૉન પ્રૉપર્ટીઝના માલિકે તેના ૧૯૮ કર્મચારીઓની વચ્ચે ૧૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૭૦ કરોડ રૂપિયા બોનસરૂપે વહેંચ્યા હતા. પ્રેસિડન્ટ લૉરેન્સનું કહેવું હતું કે કંપનીના ગ્રોથમાં કર્મચારીઓનો બહુ મહત્વનો ફાળો હોવાથી આ રાશિ માત્ર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે અપાઈ છે. કંપનીએ તમામ કર્મચારીઓને બોનસ લાલ રંગના કવરમાં આપ્યું હતું. જેમાં દરેક વ્યક્તિને તેમના કામ અને હોદ્દા અનુસાર ૧૦૦ ડૉલરથી લઈને ૨.૭૦ લાખ ડૉલર સુધીનું બોનસ આપવામાં આવ્યું હતું. જો ૧૯૮ કર્મચારીઓ વચ્ચે ૭૦ કરોડ રૂપિયાની વહેંચણીની સરેરાશ કાઢવામાં આવે તો કંપનીએ કર્મચારી દીઠ ૩૫.૪ લાખ રૂપિયા આપ્યા કહેવાય. સૌથી નવાઈની વાત એ હતી કે કંપની કર્મચારીઓને આટલું તોતિંગ બોનસ આપવાની છે એ વાતની કોઈને છેલ્લી ઘડી સુધી પણ ખબર નહોતી. આ કંપનીએ ૧૪ વર્ષના ગાળામાં ૨૦૦ લાખ સ્ક્વેર ફુટનું કન્સ્ટ્રક્શન કર્યું છે.
બોનસની જાહેરાતથી કર્મચારીઓ બહુ ખુશ હતા. જે કર્મચારીઓ ૧૪ વર્ષથી તેમની સાથે હતા તેમને ૩૫ લાખથી વધુ રકમ મળી હતી એ જોઈને પહેલાં તો બધા જ અવાચક થઈ ગયા હતા.