103 વર્ષના દાદા બન્યા વિશ્વના સૌથી વૃદ્ધ સ્કાય-ડાઇવર

06 October, 2020 07:17 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

103 વર્ષના દાદા બન્યા વિશ્વના સૌથી વૃદ્ધ સ્કાય-ડાઇવર

આ દાદા બન્યા વિશ્વના સૌથી વૃદ્ધ સ્કાય-ડાઇવર

અમેરિકાના આલ્ફ્રેડ બ્લાશ્કેએ ટેક્સસમાં પ્લેનમાંથી ડાઇવ મારીને સૌથી મોટી ઉંમરના ટેન્ડમ સ્કાયડાઇવર તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. ટેન્ડમ સ્કાય-ડાઇવર એટલે એવા શિખાઉ ડાઇવર જે પોતાના ટ્રેઇનરની સાથે એક જ પૅરૅશૂટ પર જોડાઈને આકાશમાંથી કૂદકો મારે. આલ્ફ્રેડદાદાએ આવી જ રીતે પોતાના ટ્રેઇનર સાથે સ્કાય-ડાઇવિંગ કરવાનું કારનામું કર્યું હતું. ૨૦૧૭માં ૧૦૦મા જન્મદિને આલ્ફ્રેડદાદાએ પહેલી વાર સ્કાય-ડાઇવિંગ કર્યું હતું. એ વખતે તેમણે ત્રણ વર્ષ પછી જોડિયા પૌત્રોના ગ્રૅજ્યુએશનની ઉજવણી માટે સ્કાય-ડાઇવિંગ કરવાનું પ્રૉમિસ આપ્યું હતું, એ પ્રૉમિસ તેમણે હાલમાં પાળ્યું હતું.

આલ્ફ્રેડ અન્કલ ટેક્સસના સૅન માર્કોસ સ્થિત સ્કાય-ડાઇવ સ્પેસલૅન્ડમાં વિમાનમાં સર્ટિફાઇડ ટેન્ડમ જમ્પ ઇન્સ્ટ્રક્ટર ડૉન કૅમેરોન સાથે બંધાઈને ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈ પરથી ડાઇવ કરીને પાંચેક મિનિટમાં જમીન પર પહોંચ્યા ત્યારે તેમને સગાંસંબંધી અને મિત્રોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આલ્ફ્રેડ અન્કલને તો આ સ્ટન્ટમાં બહુ મજા પડી હોય એવું લાગતું હતું, કેમ કે સ્ટન્ટ પતાવ્યા પછી તેમનું કહેવું હતું કે ‘ટેન્ડમ ડાઇવિંગ-જમ્પિંગની સ્પોર્ટ હવે સહેજ પણ અસુરક્ષિત નથી. આજના સમયમાં તો કદાચ વેન્ડિંગ મશીનમાંથી નાસ્તો લેવાના કામમાં પણ વધારે જોખમ છે.’

offbeat news hatke news international news united states of america