નોકરીમાંથી પાણીચું મળતાં કર્મચારી એ જ સ્ટોર પર કાર સાથે ધસી ગયો

09 April, 2021 08:50 AM IST  |  North Carolina | Gujarati Mid-day Correspondent

સિટી ઑફ કૉન્કૉર્ડની પોલીસે લેસી કોર્ડેલ જેન્ટ્રી નામના એ કર્મચારીની ધરપકડ કરી છે

કાર, કોર્ડેલ જેન્ટ્રી

અમેરિકાના નૉર્થ કૅરોલિનાના સિટી ઑફ કૉન્કૉર્ડના વૉલમાર્ટના ૩૨ વર્ષના કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકાયા પછી તેણે ક્રોધમાં આડેધડ કાર હંકારીને એ જ સ્ટોરના સમગ્ર પરિસરમાં ભાંગફોડ કરી હતી. સિટી ઑફ કૉન્કૉર્ડની પોલીસે લેસી કોર્ડેલ જેન્ટ્રી નામના એ કર્મચારીની ધરપકડ કરી છે. લેસીએ નોકરીમાંથી પાણીચું મળતાં પોતાનો માનભંગ થયો હોવાનું અને પોતે ડિપ્રેશનમાં આવી ગયો હોવાનું પોલીસને કહ્યું હતું.

નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતાં કોઈક શાંતિથી વિદાય લેતા હોય છે તો કોઈક બૂમો પાડીને આક્રોશ વ્યક્ત કરતા હોય છે, પણ લેસીએ તો પિત્તો જ ગુમાવી દીધો હતો. નોકરીમાંથી કાઢી મૂક્યા પછી તે બીજા દિવસે સવારે ૬ વાગ્યામાં ધસમસતી કાર સાથે આવ્યો હતો અને તેણે સ્ટોરના દરવાજાથી માંડીને જંગી કદનાં ડિસ્પ્લે સુધી અનેક વસ્તુઓને તહસનહસ કરી નાખી હતી. સિટી ઑફ કૉન્કૉર્ડ પોલીસે એ ઘટનાની તસવીરો-વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર પ્રકાશિત કર્યાં છે.

offbeat news international news united states of america