1200 કલર પેન્સિલનું ગિટાર

06 September, 2020 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

1200 કલર પેન્સિલનું ગિટાર

પેન્સિલનું ગિટાર

ગિટાર એવું વાદ્ય છે જે જૂની-નવી દરેક પેઢીનું માનીતું રહ્યું છે, પણ શું તમે કલ્પના કરી શકો છો કે કલર પેન્સિલમાંથી પણ કોઈ વાદ્ય બનાવી શકાય? નહીંને, પણ એક યુટ્યુબરે એ શક્ય કરી બતાવ્યું છે. બર્લ્સ આર્ટ નામના યુટ્યૂબ-પેજ પર કલર પેન્સિલમાંથી ગિટાર તૈયાર કરવાની પ્રક્રિયાનો આખો વિડિયો પોસ્ટ થયો છે. થોડા મહિનામાં પોસ્ટ કરાયેલો આ વિડિયો હમણાં વાઇરલ થયો છે, જેમાં કઈ રીતે ગિટાર તૈયાર કરાય છે એ જોઈ શકાય છે.

ત્રણ મિનિટ અને બાર સેકન્ડના આ વિડિયોમાં કલાકારે ૧૨૦૦ કલર પેન્સિલ એકઠી કરી અને એની ટોચનો ભાગ દૂર કરી દીધો. ત્યાર બાદ તમામ પેન્સિલને શેડ પ્રમાણે ગિટારના આકારમાં કપાયેલા કાર્બનપેપર પર ગોઠવી દીધી. પેન્સિલ એકબીજા પરથી સરકી ન જાય એ માટે તેણે જબરદસ્ત સ્ટૉન્ગ ઍધેસિવ લગાવીને એને ચોંટાડી દીધી હતી. બધી જ પેન્સિલ બરાબર ચોંટી ગઈ એટલે મશીન-કટર વડે એને શેપમાં કાપીને ગિટાર તૈયાર કરી દીધું.

સાચી ઇલેક્ટ્રૉનિક ગિટાર જેવા દેખાતા આ સંગીતવાદ્યનું ઑક્શન કરાશે, જેમાંથી ઊભા થયેલા પૈસા અમેરિકાના કોરોના-સંક્રમિતોના ઇલાજ માટે ઉપયોગમાં લેવાશે.

offbeat news hatke news international news