એકમેકના પ્રેમમાં ગળાડૂબ આ સિંહ-યુગલને પ્રાણીસંગ્રહાલયે એકસાથે વિદાય આપી

03 August, 2020 08:16 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

એકમેકના પ્રેમમાં ગળાડૂબ આ સિંહ-યુગલને પ્રાણીસંગ્રહાલયે એકસાથે વિદાય આપી

સિંહ

લૉસ ઍન્જલસના ઝૂના બે સિંહ હ્યુબર્ટ અને કલિસા જિગરજાન મિત્રો હતાં. ૬ વર્ષથી બન્ને સાથે રહેતાં હતાં. બન્ને વચ્ચે એટલો લગાવ હતો કે તેમને છૂટાં પાડવાનું અસંભવ થઈ ગયેલું. સામાન્ય રીતે ઝૂમાં રહેતા સિંહોની મહત્તમ વયમર્યાદા ૧૪થી ૧૭ વર્ષ હોય છે, પરંતુ હ્યુબર્ટ અને કલિસા ૨૧ વર્ષનાં થઈ ચૂક્યાં હતાં. વધતી ઉંમરને કારણે તેમને અનેક શારીરિક વ્યાધિઓ થવા માંડી હતી. શરીરથી ખૂબ નબળાં પડી ગયાં હોવા છતાં બન્ને સતત એકબીજાના સાંનિધ્યને પ્રેમથી માણતાં જોવા મળતાં હતાં. આખરે તેમની હાલત જોતાં પ્રાણીસંગ્રહાલયના વેટરનરી ડૉક્ટરોએ બન્નેને સિંહ જેવી સન્માનપૂર્વક આખરી વિદાય આપવાનો નિર્ણય લીધો હતો. બન્નેને એકસાથે યુથનેશિયા દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતી.

હ્યુબર્ટનો જન્મ શિકાગોના લિન્કન પાર્ક ઝૂમાં અને કલિસાનો જન્મ સીએટલના વુડલૅન્ડ પાર્ક ઝૂમાં થયો હતો. બન્નેની મુલાકાત લૉસ ઍન્જલસના પ્રાણીસંગ્રહાલયમાં ૨૦૧૪માં પહેલી વખત થઈ હતી. પહેલી મુલાકાતમાં જ હ્યુબર્ટ અને કલિસા પાક્કા દોસ્ત બની ગયાં હતાં. હંમેશાં સાથે રહેતાં હતાં. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા બન્ને આફ્રિકન સિંહો ભાગ્યે જ એકબીજાથી જુદા રહેતા હતા. અવાનનવાર એકબીજાનો વહાલ કરતાં અને ભેટતાં જોવા મળતાં હતાં. રાતે કે બપોરે બાજુબાજુમાં સૂતાં હતાં. જ્યારે પ્રાણીસંગ્રહાલયે હ્યુબર્ટ અને કલિસાની અંતિમ વિદાયની જાહેરાત કરી ત્યારે સ્ટાફર્સ તથા અન્ય સૌની આંખો ભીંજાઈ ગઈ હતી. આ સિંહ-યુગલની એકમેકના સાંનિધ્યને માણતી આ તસવીરો હૃદય પુલકિત કરી દે એવી છે.

offbeat news hatke news los angeles