લુડો ગેમે ભંગાવ્યો પતિ-પત્નીનો સુખી સંસાર, વાંચો આવો અજીબ કિસ્સો

28 April, 2020 05:37 PM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

લુડો ગેમે ભંગાવ્યો પતિ-પત્નીનો સુખી સંસાર, વાંચો આવો અજીબ કિસ્સો

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસના આતંક વચ્ચે સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. ત્યાં લોકો ઘરમાં અવનવા પ્રયોગો કરતા જોવા મળી રહ્યા છે. સમય પસાર કરવા લોકો, કૂકિંગ, નવી રેસિપી, વર્કઆઉટ કરીને, તો કોઈ કાર્ડ રમી રહ્યા છે. વડોદરાનો એક અતરંગી કિસ્સો સામે આવ્યો છે. આ વેમાલી વિસ્તારમાં રહેતા એક પતિ-પત્નીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. પતિ ટયુશન ક્લાસ ચલાવીને ગુજરાન ચલાવે છે. પરંતુ,લોકડાઉન થતાં ટયુશન ક્લાસ બંધ કરી દીધા છે અને તેના કારણે બન્ને જણા ઘરે જ હોય છે.

એવામાં સમય પસાર કરવા માટે પતિ-પત્ની ઘણીવાર મોબાઇલ પર લુડો ગેમ રમતા હતા. પરંતુ તે દરમિયાન બન્ને વચ્ચે બોલાચાલી રહેતી હતી. પત્ની લુડો ગેમમાં જીતી જાય એટલે પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હતો. પત્ની સામે હાર નહીં પચતાં શિક્ષક પતિ તેનો ગુસ્સો પત્ની પર કાઢતો હતો અને એને મારતો હતો.

ગઇકાલે આજ રીતે પત્ની જીતી જતાં ટયુશન શિક્ષક ઉશ્કેરાઈ ગયો અને તેણે અસહ્ય મારઝુડ કરતાં પત્નીથી માર સહન થયો નહતો. તેણે અભયમની મદદ લેતાં અભયમની ટીમને બોલાવી હતી. બન્નેની વાતને સાંભળ્યા બાદ અભયમે સમાધાનનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નીએ પતિ સાથે રહેવાનો ઇનકાર કરી દેતાં છેલ્લે તેને પિયરમાં મોકલી આપવામાં આવી હતી.

પતિના મારના કારણે પત્નીને કમરમાં ગંભીર ઈજા થતાં તેને ઘણી પીડા થતી હતી. તેથી તે નજીકના ક્લિનિકમાં જઈ સારવાર પણ લીધી હતી. ત્યારબાદ તેણે અભયમની ટીમને જાણ કરી મદદ લીધી હતી.

પતિનો માર સહન કરતી પત્ની અભયમને બોલાવશે તેવી પતિને કલ્પના પણ નહોતી. અભયમની ટીમ આવી ત્યારે પતિની વર્તણૂક બદલાઈ ગઈ હતી.તેણે પત્ની પાસે માફી પણ માંગી હતી. પરંતુ પત્નીએ હાલ પુરતું મારે રહેવું નથી તેમ કહી પોતાના ભાઈ સાથે પિયર જવાનું પસંદ કર્યું હતું.

vadodara offbeat news hatke news gujarat