ટીનેજરની અંતિમ યાત્રા માટે વૉશિંગ્ટનમાં હજારો સ્પોર્ટ્સ કારો ઊમટી

21 November, 2019 08:39 AM IST  |  Washington

ટીનેજરની અંતિમ યાત્રા માટે વૉશિંગ્ટનમાં હજારો સ્પોર્ટ્સ કારો ઊમટી

ટીનેજરની અંતિમયાત્રામાં ઉમટી સ્પોર્ટ્સ કાર્સ

વૉશિંગ્ટનનો રહેવાસી ૧૪ વર્ષનો ઍલેક ઇન્ગ્રામ ચાર વર્ષ કૅન્સર સામે લડ્યા પછી ૭ નવેમ્બરે મૃત્યુ પામ્યો. તેની છેલ્લી ઇચ્છા સ્પોર્ટ્સ કારમાં અંતિમ યાત્રા કાઢવાની હતી. ડૉક્ટરોએ ૨૦૧૫માં ઍલેકને હાડકાંના કૅન્સરના પ્રકારોમાં ભાગ્યે જ જોવા મળતું ઓસ્ટિયોસર્કોમા નામનું કૅન્સર થયું હોવાનું નિદાન કર્યું હતું. ગયા રવિવારે ઍલેક મૃત્યુ પામ્યો ત્યાર પછી થોડા વખતમાં સિક્સ ફ્લૅગ્સ સેન્ટ લુઇસ પાર્કિંગ લૉટમાં ૨૧૦૦ સ્પોર્ટ્સ કાર અને ૭૦ મોટરસાઇકલો ભેગી થઈને વૉશિંગ્ટન ભણી રવાના થઈ હતી. સ્પોર્ટ્સ કારના જબ્બર ચાહક ઍલેકની અંતિમ ઇચ્છા પૂરી કરવા હજારો લોકોએ સહયોગ આપ્યો હતો. ‘સિડની સોલ્જર્સ’ નામની સંસ્થાએ વિશેષરૂપે ‘સ્પોર્ટ્સ કાર્સ ફૉર એલેક’ નામે ઇવેન્ટ યોજી હતી.
સિડની નામની બાળકી આઠ વર્ષની ઉંમરે કૅન્સરથી મૃત્યુ પામ્યા પછી તેની મમ્મી ડાના ક્રિશ્ચિયન મૅનલીએ ‘સિડની સોલ્જર્સ’ નામની સંસ્થા સ્થાપી હતી. ઍલેકને કૅન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું એના બે મહિના પહેલાં સિડનીને કૅન્સરની બીમારીનું નિદાન કરવામાં આવ્યું હતું. ‘સિડની સોલ્જર્સ’ તરફથી હાકલ કરાયા પછી કૅન્સરના દરદીઓના પરિવારો એકજૂટ થઈ ગયા હતા. ‘સિડની સોલ્જર્સ’ સંસ્થા અસાધ્ય બીમારીને કારણે મૃત્યુની રાહ જોતાં બાળકોની અંતિમ ઇચ્છાની માહિતી સંબંધિત પરિવારોને પહોંચાડે છે. આ ડાના ક્રિશ્ચિયન મૅનલી અને સંસ્થાના અન્ય કાર્યકરોએ ઍલેકના ઘરે જઈને તેની અધૂરી ઇચ્છા વિશે પૂછ્યું હતું. ઍલેકના પરિવારે તેની સ્પોર્ટ્સ કારની ચાહત અને એમાં અંતિમ યાત્રા કાઢવાની ઇચ્છા જણાવી હતી. ડાના ક્રિશ્ચિયન મૅનલીએ વૉશિંગ્ટનના ઇમૅન્યુઅલ લુથરન ચર્ચ ખાતે સ્પોર્ટ્સ તથા બીજી એક્ઝોટિક કારોની વ્યવસ્થા કરી હતી. એમાંની કેટલીક કારો તો તેના માલિકો અમેરિકાના બીજા છેડાનાં રાજ્યોમાંથી ડ્રાઇવ કરીને લાવ્યા હતા. છેક કૅલિફૉર્નિયા, ઇન્ડિયાના, મિશિગન, ફ્લોરિડા અને ન્યુ યૉર્કથી ડ્રાઇવ કરીને મિસુરી સ્ટેટના વૉશિંગ્ટન સુધી પહોંચ્યા હતા. બે કલાક સુધી વૉશિંગ્ટન શહેરમાં સ્પોર્ટ્સ કારોની કતાર લાગી હતી અને શહેર અડધું બંધ હતું. સર્વત્ર ‘ઍલેક્સ ફ્યુનરલ’ની ચર્ચા હતી. ડાના ક્રિશ્ચિયન મૅનલીની દીકરી સિડનીની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે ૩૫૦૦ મોટરસાઇકલ્સનો એસ્કોર્ટ યોજવામાં આવ્યો હતો. એ મોટરસાઇકલ્સની યાત્રા નિહાળીને ઍલેક ખૂબ ખુશ થયો હતો.

washington offbeat news hatke news