જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે ચાલુ વૉશિંગ મશીનમાં ફસાયેલી આ બિલાડી

25 June, 2019 09:02 AM IST  |  અમેરિકા

જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે ચાલુ વૉશિંગ મશીનમાં ફસાયેલી આ બિલાડી

બિલાડી

અમેરિકાના મિનેસોતાની ફેલિક્સ નામની બિલાડી અત્યારે હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. એની સારવાર માટે ગો ફન્ડ મી નામનું પેજ બનાવવામાં આવ્યું છે અને લોકો એને બચાવવા માટે પૈસાની બેહાથે મદદ કરી રહ્યા છે. વાત એમ છે કે ફેલિક્સની આ હાલત ખુદ તેની માલિકણની લાપરવાહીને કારણે થઈ છે. નટખટ ફેલિક્સ મસ્તીના મૂડમાં હતી ત્યારે તે વૉશિંગ મશીનમાં ભરાઈને બેસી ગઈ હતી.

જોકે એ પછી થોડા સમયમાં જ તેની માલિકણ સ્ટીફની કૅરોલ મશીન ચાલુ કરીને કામ માટે બહાર નીકળી ગઈ. તેણે ઝડપથી કપડાં ધોવાઈ જાય એ માટે મશીન એક્સપ્રેસ મોડ પર રાખ્યું હતું. જ્યારે સ્ટીફની પાછી આવી ત્યાં સુધીમાં મશીન બંધ થઈ ચૂક્યું હતું. તેણે કપડાં કાઢવા મશીન ખોલ્યું તો અંદરથી ઘાયલ બિલાડી નીકળી.

આ પણ વાંચો : જાપાનમાં અચાનક અટકાવી દેવાઈ સંખ્યાબંધ ટ્રેન, નાનકડું જીવડું હતું કારણ

લગભગ અડધો કલાક મશીન ચાલ્યું હતું એ દરમ્યાન બિલ્લીબહેન કઈ રીતે ખૂણામાં ભરાઈ રહ્યાં એની કલ્પના કરતાં પણ માલિકણ ડરી ઊઠી. તેણે ઘાયલ અને ડરી ગયેલી બિલાડીને બહાર કાઢીને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરી. અત્યારે તે ઑક્સિજન પર છે. એની આંખની રોશની જતી રહી છે અને ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હોવાથી ન્યુમોનિયા થઈ ગયો છે. માલિકણ કોઈ પણ ભોગે પોતાની બિલાડીનો જીવ બચાવવા માટે તત્પર છે અને અત્યાર સુધીમાં લોકો તરફથી ૯૮૦૦ ડૉલર એટલે કે ૬,૮૦,૦૦૦ રૂપિયાનું ભંડોળ પણ મળી ગયું છે.

offbeat news hatke news