દૂધના પૈસા ન હોવાથી પરિવાર દીકરીને 1.5 લીટર કૉફી પીવડાવે છે

21 September, 2019 08:45 AM IST  |  ઇન્ડોનેશિયા

દૂધના પૈસા ન હોવાથી પરિવાર દીકરીને 1.5 લીટર કૉફી પીવડાવે છે

14 મહિનાની આ બાળકી 1.5 લીટર કૉફી પીવે છે

ઇન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતના તોરના લીમા ગામમમાં ૧૪ મહિનાની હદીજા નામની બાળકીને રોજ કૉફી પીવડાવે છે. દૂધની બૉટલમાં તેઓ કાળી કૉફી ભરીને દીકરીને આપે છે અને આ કંઈ આજકાલની ઘટના નથી. હદીજા છ મહિનાની થઈ ત્યારથી તેને બહારનું ફૂડ આપવાના ભાગ રૂપે કૉફી આપવામાં આવે છે. વાત એમ છે કે પરિવાર બહુ ગરીબ છે અને એટલે બાળક માટે ગાયનું દૂધ કે ફૉમ્યુલા મિલ્ક ખરીદી શકે એમ નથી. માર્કેટમાં બ્રુ કરેલી સસ્તી કૉફી મળી રહે છે જેને પાણીમાં ઉકાળીને આ બાળકીને આપવામાં આવે છે. હદીજાની મા અનિતાનું કહેવું છે કે તે છ મહિનાની હતી ત્યારથી તેને ઉપરનું ખાવાનું આપવાના ભાગરૂપે થોડીક કૉફી અપાતી હતી. હવે તો તે રોજ અડધો લિટરની ત્રણ બૉટલ ભરીને કાળી કૉફી પી લે છે. જોકે તેને એનાથી કંઈ તકલીફ નથી થતી એવું તેમનું કહેવું છે. અનિતાનું કહેવું છે કે દીકરીની ભૂખ મિટાવવા માટે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પતિ જે કમાય છે એમાં દીકરી માટે દૂધ ખરીદી શકાય એમ નથી અને હવે તો હદીજાને પણ કૉફીની આદત થઈ ગઈ છે. જો તેને ન આપવામાં આવે તો ખૂબ રડે છે અને ચીડચીડી થઈ જાય છે.

આ પણ વાંચો : બોલો, આખેઆખું થર્મોમીટર ભાઈએ પેનિસમાંથી મૂત્રાશયમાં ચડાવી દીધું

ડૉક્ટરોનું કહેવું છે કે કૉફી બાળક માટે હાનિકારક છે. ખાસ કરીને પાંચ વર્ષથી નાની વયના બાળકોને એ પિવડાવવાથી તેના શરીર-મગજના વિકાસમાં પણ અવરોધ આવી શકે છે. દીકરી સૂતી નથી એવી ફરિયાદ લઈને હદીજાના પેરન્ટ્સ દવાખાને ગયેલા ત્યારે આ મામલો બહાર આવ્યો હતો અને તેમને તરત જ બાળકીને કૉફી આપવાનું બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયા પર આ વાત વાઇરલ થતા કેટલાક લોકોએ બાળકી માટે દૂધ અને બિસ્કિટ્સ તેના ઘરે મોકલાવ્યા હતા.

indonesia offbeat news hatke news