ડૉક્ટરોએ મગજની સર્જરી કરી એ વખતે 60 વર્ષની દર્દી કરી રહી હતી આ કામ

13 June, 2020 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરોએ મગજની સર્જરી કરી એ વખતે 60 વર્ષની દર્દી કરી રહી હતી આ કામ

60 વર્ષની એક મહિલાએ તેના મગજની સર્જરી દરમ્યાન સ્ટફ્ડ ઑલિવ તૈયાર કરી રહી હતી

મગજની શસ્ત્રક્રિયા દરમ્યાન પેશન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય એ વાતની નવાઈ નથી રહી, પણ એક માની ન શકાય એવી ઘટનામાં 60 વર્ષની એક મહિલાએ તેના મગજની સર્જરી દરમ્યાન સ્ટફ્ડ ઑલિવ તૈયાર કર્યાં હતાં. શસ્ત્રક્રિયા દ્વારા તેના મગજમાંથી એક ગાંઠ કાઢવામાં આવી રહી હતી.

લગભગ એક કલાકના સમયગાળામાં દર્દીએ 90 એસ્કોલી ઑલિવ તૈયાર કર્યાં હતાં. ડૉક્ટરોએ ભાષા અને શરીરના જમણા ભાગની જટિલ ગતિને નિયંત્રિત કરતાં મગજના ભાગમાં ઑપરેશન કર્યું હતું. સર્જરી દરમ્યાન સ્ત્રીની વર્તણૂકથી સર્જ્યનોને ચોક્કસ ભાગ પર સર્જરી કરવામાં મદદ મળી હતી. મગજના ચોક્કસ ભાગમાં સર્જરી કરવાની હોય ત્યારે જો સહેજ તસુભાર પણ ગરબડ થાય તો દર્દીને બહુ મોટું નુકસાન થઈ શકે છે. એ જ કારણસર હવે આવી ગંભીર સર્જરી દરમ્યાન ડૉક્ટરો દર્દીને જાગ્રત અને કાર્યરત રાખવાનું પ્રીફર કરે છે.

આ અસામાન્ય સમાચાર ટૂંક સમયમાં જ ટ્વિટર પર વાઇરલ થઈ ગયા. એ ઉપરાંત માઇક્રો બ્લૉગિંગ સાઇટના એક યુઝરે એનો ફોટો પણ શૅર કર્યો છે. છબિમાં સ્ત્રી ઑલિવ તૈયાર કરી રહી છે, જ્યારે ડૉક્ટરો તેના મગજ પર કામ કરી રહ્યા છે.

italy offbeat news hatke news international news