ત્રણ વર્ષથી આ મગરના ગળામાં ફસાયેલું છે મોટરસાઇકલનું ટાયર

26 November, 2019 08:28 AM IST  |  Indonesia

ત્રણ વર્ષથી આ મગરના ગળામાં ફસાયેલું છે મોટરસાઇકલનું ટાયર

મગર

મુક્તપણે ફરવું બધાને જ ગમતું હોય છે, પછી એ મનુષ્ય હોય કે પ્રાણી. હાથ-પગ પણ બાંધેલા હોય તો અજુગતું લાગતું હોય ત્યાં ગળામાં કાંઈ ફસાયું હોય અને તમારે એની સાથે જ જીવવું ફરજિયાત હોય તો તમે શું કરો? ચીસાચીસ કરીને ગળામાંથી ફસાયેલી વસ્તુને બહાર કઢાવો, પણ જો તમારા સ્થાને કોઈ મૂંગું પ્રાણી હોય તો?

હા જી, ઇન્ડોનેશિયાની એક નદીમાં એક મગરમચ્છ છેલ્લાં ત્રણ વર્ષથી ગળામાં મોટરસાઇકલના ટાયર સાથે તરી રહ્યો છે. ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસીની રાજધાની પાલુમાંથી વહેતી એક નદીમાં ૨૦૧૬માં એક મગરમચ્છ ગળામાં ફસાયેલા ટાયર સાથે તરતો જોવા મળ્યો હતો. લગભગ ૧૩ ફુટ લાંબો આ મગર લુપ્ત થતી સિયામીઝ પ્રજાતિનો હોવાનું મનાય છે.

૨૦૧૮માં સ્થાનિક લોકોએ આ મગરને પાણીમાંથી મોઢું બહાર કાઢીને શ્વાસ લેતો જોયો હતો. ઇન્ડોનેશિયાની સેન્ટ્રલ સુલાવેસી નૅચરલ રિસોર્સિસ કન્ઝર્વેશન એજન્સીએ ચિકનની લાલચ આપીને મગરને સૂકી જમીન પર બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મગરમચ્છે ચિકન પ્રત્યે વિશેષ રસ દેખાડ્યો નહોતો. મગરનું કદ ૪ મીટર જેટલું વધ્યું છે અને એનું માથું લગભગ ૪૦ સેન્ટિમીટર લાંબું છે. તેનું કદ ધીમે-ધીમે વધી રહ્યું હોવાથી વાઇલ્ડ લાઇફના અધિકારીઓને ભય છે કે જો વહેલી તકે મગરના ગળામાંથી ટાયર બહાર કાઢવામાં નહીં આવે તો ગૂંગળામણથી એનું મૃત્યુ થઈ શકે છે.

આ પણ વાંચો : આ બિલાડીની મૂછો છે અદ્દલ ચાર્લી ચૅપ્લિન જેવી

મગરને પકડવા માટે જાળ તૈયાર હોવા છતાં એને કાબૂમાં રાખવા ટેક્નિકલ ટીમ ન હોવાથી એનો ઉપયોગ કરી શકાય એમ નથી. મગર પાણીમાંથી બહાર નીકળી રહ્યો ન હોવાથી ઇન્ડોનેશિયાના અધિકારીઓએ એના પર બેભાન કરવાની દવાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો પણ ઇનકાર કર્યો છે.

indonesia offbeat news hatke news