ઉત્તર પ્રદેશની બાર્બર ગર્લ્સ ચમકી ઍડ ફિલ્મમાં

02 May, 2019 08:36 AM IST  |  બનવારી ટોલા

ઉત્તર પ્રદેશની બાર્બર ગર્લ્સ ચમકી ઍડ ફિલ્મમાં

બાર્બર ગર્લ

હજી થોડા મહિના પહેલાં જ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના બનવારી ટોલા ગામમાં બે ટીનેજ છોકરીઓ તેના પપ્પાની બાર્બરની શૉપ ચલાવતી હોવાની વાત ઉજાગર થઈ હતી. વાત એમ હતી કે પિતા અતિશય ગંભીર માંદગીમાં પટકાતાં પરિવારની બે મોટી છોકરીઓએ ઘરની આર્થિક ધુરા સંભાળવા માટે પપ્પાની નાઈની દુકાન પર છોકરો બનીને જવાનું શરૂ કરી દીધું હતું. ૨૦૧૪ની સાલથી આ સિલસિલો ચાલ્યો આવતો હતો. શરૂઆતમાં તેમને ચિંતા હતી કે છોકરી પાસે કોઈ વાળ કપાવવા કે હજામત કરાવવા નહીં આવે.

જો કોઈ ગ્રાહક નહીં આવે તો પરિવારનું ગુજરાન કેમ ચાલશે? બસ, એ જ ડરને કારણે બન્ને છોકરીઓ પોતાનો લુક અને નામ બદલીને છોકરા જેવી બની ગઈ. આ દુકાનમાં કમાણી કરીને બન્નેએ પિતાના ઇલાજનો ખર્ચ કાઢ્યો, પોતાનું ભણતર કર્યું અને પરિવાર માટે પેટિયું રળ્યું. હજી થોડા મહિના પહેલાં જ તેમણે પોતે છોકરી હોવાનું જાહેર કર્યું હતું. નવાઈની વાત એ છે કે ગામના લોકોએ પણ આ વાત જાણીને તેમને ખૂબ સપોર્ટ કર્યો.

આ પણ વાંચો: હાથનો ઉપયોગ કર્યા વિના આ બહેનની જેમ સીધો ખડક ચડી શકો?

મીડિયામાં પણ એ વાત ચમકી. આ ઘટના પરથી એક બ્લૅડની ઇન્ટરનૅશનલ બ્રૅન્ડે નવું ઍડ-કૅમ્પેન બનાવ્યું છે. આ જાહેરાતમાં જ્યોતિ અને નેહાની વાર્તા તેમ જ બનવારી ટોલા ગામના લોકોનો હકારાત્મક અભિગમ બન્ને છલકાય છે. ૨૬ એપ્રિલે યુટuુબ પર મુકાયેલી આ જાહેરાતને અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને બૉલીવુડના અનેક સિતારાઓએ આ માટે બાર્બર-બહેનોનાં બેમોઢે વખાણ કર્યાં છે.

offbeat news hatke news