એકબીજાને બચાવવા જતાં ૬ જંગલી હાથીઓ પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યા

07 October, 2019 08:33 AM IST  |  થાઇલૅન્ડ

એકબીજાને બચાવવા જતાં ૬ જંગલી હાથીઓ પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યા

થાઈલેન્ડમાં હાથી ડૂબ્યા

જંગલોમાં હાથીઓ મોટા ભાગે ઝૂંડમાં જ ફરતા હોય છે અને જો કોઈ એક મુસીબતમાં હોય તો બધા સાથે મળીને એને બચાવવા માટે મથતા હોય છે. જોકે થાઇલૅન્ડના ખાઓ યાઇ નૅશનલ પાર્કમાં નરકનું ઝરણું તરીકે જાણીતા એક વૉટરફૉલ પાસે શનિવારે એક અત્યંત દુખદ ઘટના ઘટી. એક ઝરણા પાસેથી હાથીઓનું ઝૂંડ પસાર થઈ રહ્યું હતું ત્યારે ખાસ્સી ઊંચાઈએથી એક હાથીનું બચ્ચું નીચે પડી ગયું.

ઝરણાની કિનારીએ આવેલા પત્થરો ચીકણા અને લીલવાળા હોવાથી નીચે પડેલા હાથીને ઉપર લેવાની કોશિશમાં એક પછી એક સાત હાથીઓનો પગ લપસ્યો અને એ તમામ પાણીમાં પડ્યા. શનિવારે બપોરે આ ઘટના ઘટી હતી. ઊંડાઈ ઘણી હોવાથી અંદર પડી ગયેલા હાથીઓને બચાવવાનું દુષ્કર થઈ પડ્યું અને માંડ બે જ હાથીઓને બહાર ખેંચી શકાયા. બાકીના છ હાથીઓ અંદર ઝરણામાં જ મૃત્યુ પામ્યા હતા.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

આ જગ્યાને નરકનું ઝરણું કંઈ અમથી જ નથી કહેવાતી. ૧૯૯૨માં પણ આ જ જગ્યાએ આઠ હાથીઓ અંદર પડી ને મૃત્યુ પામ્યા હતા. થાઇલૅન્ડના વન સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે બચાવેલા બે હાથીઓની સ્થિતિ નાજુક છે. તેઓ જંગલમાં છુટ્ટા જ છે, પણ તેમની પર નિગરાની રાખવામાં આવી રહી છે. વન્યપ્રાણી નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે આવી ઘટના થાય ત્યારે હાથીઓના ઝૂડમાં ખૂબ ઇમોશનલ ઝંઝાવાત આવે. જાણે તેમણે પોતાના અડધા પરિવારને ખોઈ દીધો હોવાથી તેમનું માનસિક સંતુલન પણ બગડી શકે છે.

thailand offbeat news hatke news