આ ટીનેજ ફૂલી ગયેલા પેટ સાથે ઉઠી અને પોણા કલાકમાં બાળકને જન્મ આપ્યો

08 April, 2019 09:09 AM IST  |  બ્રિટન

આ ટીનેજ ફૂલી ગયેલા પેટ સાથે ઉઠી અને પોણા કલાકમાં બાળકને જન્મ આપ્યો

પેટ ફૂલી ગયા બાદ પોણા કલાકમાં બાળકને જન્મ આપ્યો

આ કોઈ મૅજિક શોની વાત નથી થઈ રહી. બ્રિટનમાં ૧૯ વર્ષની એમાલ્યુઇસ લેગેટ નામની ટીનેજર સાથે આ ઘટના ઘટી છે. ૧૯ વર્ષની એમાલ્યુઇસને ઑલરેડી એક દીકરો હતો અને તે ખૂબ શાંતિમય જિંદગી જીવી રહી હતી. કૉન્ટ્રાસેપ્ટિલ પિલ્સ લેતી હોવાથી તેને પ્રેગ્નન્સીનો કોઈ ડર નહોતો અને તેણે વચ્ચે પિરિયડ્સ આવે જ નહીં એ માટે લગાતાર પિલ્સ લેવાનું ચાલુ જ રાખેલું. પહેલી ડિલિવરી પછી તેનું વજન વધી રહ્યું હતું એટલે તેને લાગતું હતું કે આ કદાચ પહેલા બાળકની ડિલિવરીની સાઇડ-ઇફેક્ટ છે. તેના હાથ-પગ અને કમર પર ખૂબ વજન દેખાઈ રહ્યું હતું પણ પેટ જરાય ફૂલેલું નહોતું. એમાલ્યુઇસનું કહેવું છે કે તે રાતે સૂતી ત્યાં સુધી તેને પેટમાં કદી બાળકની લાત કે બાળક ફરતું હોય એવો અહેસાસ પણ નથી થયો. જોકે સવારે ઊઠી ત્યારે તેને અચાનક પેટમાં ભયંકર દરદ ઊપડ્યું અને પેટ ફૂલીને દડા જેવું થઈ ગયું. તેણે પોતાની મમ્મીને ફોન કરીને બોલાવી અને બન્ને કારમાં હૉસ્પિટલ જવા નીકળ્યાં.

આ પણ વાંચો : 73 વર્ષના દાદા બન્યા વિશ્વના સૌથી વયસ્ક ગોલકીપર

પેટ જે રીતે ફૂલેલું એ જોઈને તેની મમ્મીને બીજી પ્રેગ્નન્સીની શંકા ગઈ, પણ રાતોરાત આવું પેટ ફૂલી જાય એ વાત માન્યામાં ન આવી. જોકે બન્ને હૉસ્પિટલ પહોંચે અને મિડવાઇફ આવીને પરિસ્થિતિ શું છે એ સમજે એ પહેલાં તો કારમાં જ બાળક અવતરી ચૂક્યું હતું. એ બાળક તદ્દન હેલ્ધી હતું. થોડાક સમય પહેલાં બનેલો આ કેસ મેડિકલ સાયન્સ માટે હજી પણ કોયડો છે.

offbeat news hatke news