14 May, 2026 12:56 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent
બરહમપુરમાં રહેતો ૪૨ વર્ષનો ગગન પાત્રા
અંગત જિંદગીમાં આવેલી ઇમર્જન્સીએ ગગન પાત્રા નામના ઓડિશાના રિક્ષા-ડ્રાઇવરની જિંદગીમાં બદલાવ લાવી દીધો હતો. બરહમપુરમાં રહેતો ૪૨ વર્ષનો ગગન પાત્રા પ્રેગ્નન્ટ મહિલાઓ અને ઇમર્જન્સીમાં હોય એવા દરદીઓને હૉસ્પિટલ લઈ જવા માટે ફ્રીમાં ટ્રાન્સપોર્ટ સુવિધા આપે છે. આ કામ તેણે ૨૦૧૬માં શરૂ કર્યું હતું. વાત એમ હતી કે એક રાતે ગગનનો નાનો દીકરો અચાનક માંદો પડી ગયો અને તેને ઇમર્જન્સીમાં હૉસ્પિટલ લઈ જવા માટે કોઈ વાહન મળ્યું જ નહીં. છેક છેલ્લે આંધ્ર પ્રદેશના એક ટ્રક-ડ્રાઇવરે તેને મદદ આપી અને હૉસ્પિટલ પહોંચાડવા બદલ ગગન પાસેથી કોઈ ભાડું વસૂલ્યું નહીં. એ પછી થોડા જ દિવસ વીત્યા હશે અને તેણે એક પ્રેગ્નન્ટ મહિલા અને વૃદ્ધ મહિલાને માંડ ચાલીને હૉસ્પિટલ સુધી ચાલીને જતાં જોયાં. એ વખતે ગગને તેમને પોતાની રિક્ષામાં ફ્રીમાં હૉસ્પિટલ લઈ ગયો. બીજા દિવસે તેણે પોતાની રિક્ષા પર પોસ્ટર લગાવ્યું જેમાં લખ્યું હતું, ‘ગરીબ પરિવારોની પ્રેગ્નન્ટ મહિલાઓ અને ઇમર્જન્સી દરદીઓને ફ્રીમાં હૉસ્પિટલ પહોંચાડવામાં આવશે.’
ધીમે-ધીમે આ પોસ્ટર ફેમસ થવા લાગ્યું. બીજા રિક્ષાવાળાઓને પણ એ ગમ્યું. તેમણે પણ આવું જ પોસ્ટર પોતાના વાહન પર લગાવીને ઇમર્જન્સી સર્વિસ આપવાનું શરૂ કર્યું. હવે લગભગ ૩૦ રિક્ષા-ડ્રાઇવરોનું નેટવર્ક બની ગયું છે જેમના નંબર રેલવે-સ્ટેશન, બસ-સ્ટૉપ અને માર્કેટમાં ભીડભાડવાળી જગ્યાએ લાગેલાં છે, જેથી ઇમર્જન્સીમાં કોઈ પણ વ્યક્તિ તેમને બોલાવીને મદદ માગી શકે. આ ગ્રુપે અત્યાર સુધીમાં ૬૦૦૦ દરદીઓને હૉસ્પિટલ પહોંચાડ્યા છે.