હવે બિહારમાં ૨૯ ફુટ ઊંચા મોબાઇલ ટાવરની ચોરી

23 January, 2023 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોબાઇલ ટાવરનું નિરીક્ષણ કરાતાં આ આખો ટાવર ગાયબ થયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું

હવે બિહારમાં ૨૯ ફુટ ઊંચા મોબાઇલ ટાવરની ચોરી

વિચિત્ર પ્રકારની ચોરીઓ માટે બિહાર ઘણું જાણીતું છે. તાજેતરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ચોરો ટેલિકૉમ કર્મચારીઓનો સ્વાંગ રચીને ૨૯ ફુટ ઊંચો મોબાઇલ ટાવર ચોરી ગયા હતા.

૨૦૦૬માં પટનાના સબ્ઝી બાગ વિસ્તારમાં એક મકાન પર ઍરસેલ કંપની દ્વારા સ્થાપિત કરાયેલો મોબાઇલ ટાવર ટેલિકૉમ ટાવરનું સંચાલન કરતી કંપની જીટીએલ લિમિટેડને વેચવામાં આવ્યો હતો. મોબાઇલ ટાવરનું નિરીક્ષણ કરાતાં આ આખો ટાવર ગાયબ થયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

એરિયા મૅનેજર મોહમ્મદ શાહનવાઝ અનવરે કરેલી ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરનારી પોલીસે કહ્યું હતું કે મોબાઇલ ટાવર કંપનીએ ભાડાની ચુકવણી ન કરવાને લીધે મોબાઇલ કંપનીને ટાવર હટાવવાની વિનંતી કરી હતી, જેને પગલે શરૂઆતમાં જીટીએલ કંપનીની એક ટીમે સાધનોનો એક હિસ્સો હટાવી દીધો હતો. ત્યાર બાદ બીજી ટીમે આવીને તમામ સાધનો દૂર કર્યાં હતાં. જોકે તેઓ વાસ્તવમાં ટેલિકૉમ કંપનીના કર્મચારીઓ ન હોવાનું પાછળથી જાણવા મળ્યું હતું.

કંપનીના અધિકારીઓએ પૂછપરછ કરતાં જણાયું હતું કે આ ચોરોએ પોતાને જીટીએલના કર્મચારી હોવાનો દાવો કર્યો હતો તથા ટોવરમાં ટેક્નિકલ ખામી જણાવી એના સ્થાને નવો મોબાઇલ ટાવર આવશે એમ જણાવ્યું હતું. જોકે પાછળથી તેઓ ચોર હોવાનું જાણવા મળ્યું હતું.

બિહાર આવી વિચિત્ર ચોરીઓ માટે કુખ્યાત છે. ગયા વર્ષે એપ્રિલમાં સિંચાઈ વિભાગના કર્મચારીઓના સ્વાંગમાં આવેલા ચોરો ૬૦ ફૂટનો આખો બ્રિજ ચોરી ગયા હતા. બેગુસરાઈમાં તો ચોરોએ રેલવે યાર્ડમાં ટનેલ ખોદીને એક પછી એક પીસ એમ આખા એન્જીનની ચોરી કરી હતી.

offbeat news bihar