આ કોઈ પેઇન્ટ નથી, સોનાની પેસ્ટ છે: દાણચોર એરપોર્ટ પર પકડાઈ ગયો

31 August, 2021 11:09 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

કેરલામાં કૂન્નુર ઍરપોર્ટના અધિકારીઓએ ગઈ કાલે સવારે પૅસેન્જર પાસેથી ૧૪ લાખ રૂપિયાનું ૩૦૨ ગ્રામ સોનું જપ્ત કર્યું

સોનાની પેસ્ટ વાળા પેન્ટ

ચોર ઘણી વાર એવી યુક્તિથી ચોરી કે ચાલબાજી કરતા હોય છે કે તેમની એ સર્જનાત્મકતાથી ખુદ પોલીસ પણ ચોંકી જતી હોય છે. ચોર એમાં પકડાઈ જાય, પણ તેની એ તરકીબ બીજા ચોરટાઓ માટે નવો ઉપાય જરૂર બની જતી હોય છે.

કેરલામાં કૂન્નુર ઍરપોર્ટના અધિકારીઓએ ગઈ કાલે સવારે જે પૅસેન્જર પાસેથી ૧૪ લાખ રૂપિયાનું ૩૦૨ ગ્રામ સોનું જપ્ત કર્યું એ સોનું તે અજબ રીતે લાવ્યો હતો. એએનઆઇના એક ટ્વીટ મુજબ પૅસેન્જર આ સોનું ઝવેરાત કે બિસ્કિટના રૂપમાં નહીં, પણ પેસ્ટરૂપે લાવ્યો હતો. હા, તેણે આ કીમતી ધાતુની એકદમ પાતળી પેસ્ટ બનાવીને જીન્સ પૅન્ટની બે લેયર વચ્ચે ચોપડી દીધી હતી અને એ રીતે તે સોનું કેરલા લાવવાના પ્રયત્નમાં હતો.

પહેલી નજરે તો એવું જ લાગે કે તેણે જીન્સમાં કોઈ પ્રકારનો પીળો રંગ લગાડ્યો હશે, પરંતુ મેટલ ડિટેક્ટરમાં તેની આ ચાલબાજી પકડાઈ ગઈ હતી. આ માહિતી કોચીના કસ્ટમ્સ પ્રિવેન્ટિવ યુનિટે આપી હતી. મેટલ ડિટેક્ટરમાં કોઈ પણ ધાતુ પસાર થાય ત્યારે એનું ઇન્ડિકેશન આવી જતું હોય છે અને એમાં જ આ દાણચોર પકડાઈ ગયો.

સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સે ‘વૉટ અ ટેક્નિક!’ કહીને સ્મગલરની આ તરકીબ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

offbeat news national news kerala