09 July, 2024 02:56 PM IST | Madrid | Gujarati Mid-day Correspondent
સોમવારથી આખું વીક સ્પેનના પૅમ્પલોના શહેરમાં સૅન ફર્મિન ફેસ્ટિવલ અંતર્ગત રોજ સવારે બુલરન યોજાય છે.
સોમવારથી આખું વીક સ્પેનના પૅમ્પલોના શહેરમાં સૅન ફર્મિન ફેસ્ટિવલ અંતર્ગત રોજ સવારે બુલરન યોજાય છે. નાનકડી ગલીઓમાં ૬ આખલાની આગળ દોડવા ઉપરાંત કેટલાક અતિઉત્સાહી જુવાનિયાઓ હાથે કરીને આખલાના પગ નીચે ચગદાવા તૈયાર હોય છે. જે જગ્યાએથી આખલાઓને શેરીમાં છોડવામાં આવે છે એ રસ્તામાં કેટલાક જુવાનિયાઓ ઊંધા સૂઈ જાય છે અને તેમના પરથી આખલાઓ દોડીને જાય છે. હાડકાં ભાંગવાનું જ આ કામ થયુંને?
ફ્રાન્સમાં ઘેટાં ચરાવવાનું કામ આપમેળે થઈ જાય અને કોઈ માણસે તેમની પાછળ સમય ન વેડફવો પડે એ માટે શ્વાનોને તૈયાર કરવામાં આવે છે. આ શ્વાનને ઘેટાંઓનાં ટોળાંને જંગલી વરુઓ અને એમને કનડગત કરતા લોકોથી બચાવવા માટે તાલીમ આપવામાં આવે છે. આ ગાર્ડિયન શ્વાનને પટોઉ કહેવામાં આવે છે. ફ્રાન્સ નેચર એન્વાયર્નમેન્ટ અસોસિએશને આ બાબતે જાગૃતિ લાવવા અને શ્વાનોને તૈયાર કરવા માટેની પહેલ કરી છે. સામાન્ય રીતે ૫૦-૧૦ ઘેટાંના ટોળાને ગાર્ડ કરવા માટે બે ડૉગ્સ તહેનાત કરવામાં આવે છે.
કલાકારોનું એક ગ્રુપ લગભગ ૨૦૧૦ની સાલથી દર જુલાઈ મહિનામાં ઇન્ટરનૅશનલ રંગ મલ્હાર ઉત્સવ ઊજવે છે. ડૉ. વિદ્યાસાગર ઉપાધ્યાયના નેતૃત્વમાં દર વર્ષે અલગ-અલગ ચીજ પર કલાકારો એકસાથે પેઇન્ટિંગ કરતા હોય છે. ગયા વર્ષે કલાકારોએ છત્રી પર પેઇન્ટિંગ કર્યું હતું અને આ વખતે યંગ કલાકારોએ એપ્રન પર પેઇન્ટિંગ કરવાનું હતું. ૧૪ વર્ષ પહેલાં દુકાળ જેવી સ્થિતિ સર્જાતાં રાજસ્થાનના કલાકારોના એક ગ્રુપે ડૉ. વિદ્યાસાગાર ઉપાધ્યાયના નેતૃત્વમાં રંગ મલ્હાર ઉત્સવ ઊજવવાનું નક્કી કર્યું હતું.