મેકિસ્કોમાં જન્મેલા ટ્રીપલેટ્સ કોરોના પૉઝિટિવ, માતા-પિતાને નથી કોરોના!

25 June, 2020 08:38 PM IST  |  Mexico | Gujarati Mid-day Online Correspondent

મેકિસ્કોમાં જન્મેલા ટ્રીપલેટ્સ કોરોના પૉઝિટિવ, માતા-પિતાને નથી કોરોના!

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19) સંક્રમણના આંકડાઓ દરરોજ કોઈ નવા રેકોર્ડસ બનાવી રહ્યાં છે. ત્યારે મેક્સિકોમાં કોરોના વાયરસનો એક વિચિત્ર કેસ નોંધાયો છે. મેક્સિકોમાં જન્મેલા ટ્રિપલેટ્સનો કોરોના રીપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, બાળકોના માતા-પિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડૉક્ટરો પણ મુંઝાઈ ગયા છે કે, જ્યારે માતા-પિતા બન્નેમાંથી કોઈને કોરોનાનું સંક્રમણ નથી થયું તો પછી નવજાત બાળકો કઈ રીતે કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા!
મેક્સિકોના સ્વાસ્થ્ય સચિવ મોનિકા રંગેલે કહ્યું હતું કે, આ આખી ઘટનાની તપાસ ચાલી રહી છે. કારણકે દુનિયામાં પહેલીવાર આવો બનાવ બન્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે, તેમણે આ પહેલા આવો કેસ જોયો નથી કે આવા કેસ વિશે સાંભળ્યું પણ નથી. આ ટ્રિપલેટમાં એક છોકરી અને બે છોકરા છે. જન્મના ચાર કલાક બાદ લુઈસ પોટોસીમાં તેમનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

બાળકોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતા ડૉક્ટરોને એમ લાગતું હતું કે માતા અથવા પિતા બન્નેમાંથી કોઈ એકને કોરોનાનો ચેપ લાગ્યો હશે. પરંતુ તેમનામાં લક્ષણો ન દેખાયા હોવાથી ટેસ્ટ ન કરાવ્યો હોય. બાદમાં માતા-પિતા બન્નેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રંગેલે કહ્યું હતું કે, અમારું સંપૂર્ણ ધ્યાન આ કેસ ઉપર છે. અમે નિષ્ણાતોને દરેક પ્રકારની તપાસ કરવાનો આગ્રહ કર્યો છે.

ડૉક્ટર્સના મતે ત્રણે બાળકો સવસ્થ છે. તેમનામાં વાયરસના કોઈ લક્ષણો દેખાતા નથી. 17 જૂને જન્મેલા બાળકોમાં બે એકદમ સ્વસ્થ હતા અને એકને નિમોનિયાની અસર હતી. પરંતુ કોઈનામાં વાયરસના લક્ષણ નહોતા છતા તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે તે બહુ આશ્ચર્યજનક વાત છે. આ ટ્રિપલેટ્સ હજી પણ ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે.

નોંધનીય છે કે, મેક્સિકોમાં કોરોનાના બે લાખ કરતા વધુ કેસ નોંધાયા છે અને 23,000થી વધુ લોકોના મોત થયા છે.

coronavirus covid19 international news mexico offbeat news