નેપાલી શેરપાએ ૨૬મી વાર એવરેસ્ટ ચડીને પોતાનો જ રેકૉર્ડ તોડ્યો

09 May, 2022 09:22 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

કામી રીટાની પત્ની જંગમુએ પતિની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે

શેરપા કામી રીટા

નેપાલી શેરપાએ ૨૬મી વાર એવરેસ્ટ ચડીને ગયા વર્ષે સેટ કરેલો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. નેપાલના બાવન વર્ષના શેરપા કામી રીટાએ અન્ય ૧૦ શેરપાને ક્લાઇમ્બર્સ તરફ દોરી જતા પરંપરાગત દક્ષિણપૂર્વ રીજ માર્ગ સાથે શનિવારે ૮૮૪૮.૮૬ મીટર (૨૯,૦૩૧.૬૯ ફુટ) ઊંચાઈનો પર્વત સર કર્યો હતો.

નેપાલની રાજધાની કાઠમાંડુના ટૂરિઝમ વિભાગના ડિરેક્ટર જનરલ તારાનાથ અધિકારીએ કહ્યું હતું કે કામી રીટાએ ગયા વર્ષે સેટ કરેલો પોતાનો રેકૉર્ડ તોડીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. કામી રીટાની પત્ની જંગમુએ પતિની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે.

કામી રીટાએ જે રૂટનો ઉપયોગ કર્યો હતો એની શરૂઆત ૧૯૫૩માં ન્યુ ઝીલૅન્ડના સર ઍડમન્ડ હિલેરી અને શેરપા તેનઝિંગ નોર્ગેએ કરી હતી, જે અત્યાર સુધી લોકપ્રિય રહ્યો છે. આ વર્ષે નેપાલે એવરેસ્ટ ચડવા માટે કુલ ૩૧૬ પરમિટ ઇશ્યુ કરી હતી, જ્યારે ગયા વર્ષે સૌથી વધુ ૪૦૮ પરમિટ આપી હતી.

વિદેશી હૂંડિયામણ માટે પર્વતારોહકો પર ભારે નિર્ભર રહેતા હિમાલયન રાષ્ટ્ર નેપાલે  ૨૦૧૯માં પર્વત પર વધુ લોકોને ચડવાની મંજૂરી આપવા તથા એમ કરવાથી અનેક આરોહકોનાં થયેલાં મૃત્યુ બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હિમાલયન ડેટાબેઝ મુજબ એવરેસ્ટ પર અત્યાર સુધી ૧૦,૬૫૭ લોકો ચડ્યા છે અને ૩૧૧ લોકો મૃત્યુ પામ્યા છે. 

offbeat news international news mount everest