06 October, 2025 10:24 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માણસ બેભાન થઈ જાય તો તેને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) આપીને તેના હૃદયને ફરીથી ધબકતું કરવાની કોશિશ થાય છે. જોકે એક સર્પમિત્રએ સાપને રેસ્ક્યુ કર્યા પછી એનો જીવ બચાવવા માટે સાપને CPR આપ્યું હતું. નાગપુર જિલ્લાના હિંગના ગામમાં હર્ષલ શેન્ડે નામના સર્પમિત્રએ એક ઘરમાં ડ્રમની નીચે ફસાયેલા સાપને રેસ્ક્યુ કર્યો હતો. ડ્રમ હટાવીને તેણે સાપને બહાર કાઢ્યો તો એ બિલકુલ હલી નહોતો રહ્યો. એની હાલત ગંભીર જણાઈ રહી હતી. હર્ષલને લાગ્યું કે સાપને બચાવવો હોય તો CPR આપવું જોઈએ. પહેલાં તો તેણે સાપ જીવતો છે કે કેમ એ તપાસવા માટે એને પાણી પીવડાવ્યું. પાણી પીતાં જ સાપને હોશ આવતાં એના શરીરમાં થોડોક સળવળાટ થયો. જોકે એ પછી પણ સાપ હલતો નહોતો એટલે હર્ષલે સાપને CPR આપવા માટે એક પાઇપની મદદથી મોંમાં શ્વાસ આપવાનું શરૂ કર્યું. પાઇપનો એક છેડો સાપના મોંમાં હતો અને બીજા છેડે પોતાના મોંથી શ્વાસ આપ્યો. કૃત્રિમ શ્વાસ મળતાં જ જે પરિણામ મળ્યું એ દંગ રહી જવાય એવું હતું. સાપ હલવા લાગ્યો. એ પછી સાપને પકડીને ગામની બહારના જંગલમાં છોડી મૂક્યો હતો. હર્ષલ શેન્ડેનું કહેવું છે કે કુકરી સાપ ઝેરીલો નથી હોતો. બેહોશ થઈ ગયેલા સાપને જો તરત CPR ન આપ્યું હોત તો એ મરી ગયો હોત.